કચ્છઃ પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ સેંધાણી ઉર્ફે મંગલદાદાનું 73 વર્ષે અવસાન થયું છે. લકવની ટૂંકી બીમારી બાદ તેઓ મૃત્યુ પામ્યા છે. તેમના મૃત્યુના સમાચારથી સમગ્ર પંથક શોકગ્રસ્ત થઈ ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
લોકપ્રિય અગ્રણીઃ માંડવીના પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ સેંધાણી એક લોકપ્રિય અગ્રણી હતા. તેમની લોકપ્રિયતા પાછળનું મુખ્ય કારણ માંડવી તાલુકાના વિકાસમાં તેમનું યોગદાન રહ્યું હતું. તેમણે જાહેર જીવનમાં અનેક વિકાસકાર્યોને પૂર્ણ કરાવ્યા હતા. તેમણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પક્ષના સંગઠન અને કિસાન સંઘમાં મહત્વના હોદ્દાઓ પર પ્રશંસનીય કામગીરી કરી હતી. તેઓ માત્ર પાટીદાર સમાજ પૂરતા જ નહિ પરંતુ વિવિધ સમાજ, રાજકીય અને સહકારી ક્ષેત્રે લોકપ્રિય અગ્રણી હતા. તેમણે ગઢશીશા પંચગંગાજી તીર્થ સ્થાન વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગઢશીશા વિસ્તારમાં સમૂહ લગ્ન સમિતિમાં પણ તેમનું યોગદાન મહત્વનું રહ્યું હતું.
2007માં ધારાસભ્ય બન્યાઃ વર્ષ 2007માં તેઓ ધારાસભ્ય તરીકેની ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં તેઓ 4139 મતોની લીડથી વીજયી બન્યા હતા. તેમને કુલ 41,799 મતો મળ્યા હતા. ધારાસભ્ય તરીકે ધનજીભાઈ સેંધાણી ઉર્ફે મંગલદાદાએ જનતાની સુખાકારી માટે અનેક વિકાસકાર્યો પૂર્ણ કરાવ્યા હતા. તેમણે માત્ર પાટીદાર સમાજ જ નહિ પરંતુ દરેક સમાજ પોતાના દાદા ગણતા હતા. તેથી તેમનું હુલામણું નામ મંગલદાદા હતું.
દિગ્ગજોએ પાઠવી શ્રદ્ધાંજલિઃ લકવાની ટૂંકી બીમારી બાદ મૃત્યુ પામેલ પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ સેંધાણીને દિગ્ગજો એ શ્રદ્ધાંજલિ પાઠવી છે. જેમાં વડા પ્રધાન મોદી, કચ્છ સાંસદ વિનોદ ચાવડા વગેરેનો સમાવેશ થાય છે. તેમના નિધનથી સમગ્ર પંથક શોકગ્રસ્ત બની ગયો છે. રાજકારણ, સહકારી અનેક સામાજિક ક્ષેત્રે શોકની લાગણી પ્રવર્તી ગઈ છે.