કચ્છ : કચ્છના પૂર્વ કલેકટર પ્રદીપ શર્માને આજે 2011 ના એક મામલમાં ભુજ કોર્ટે સજા ફરમાવી છે. આજે 2011 ના મામલામાં પ્રદિપ શર્માને કોર્ટમાં રજૂ કરાયા હતા. પોતાના અન્ય કેસમાં જેલવાસ દરમિયાન ભુજ પાલારા જેલમાં ભુજ એલ.સી.બીની આકસ્મિક તપાસ દરમિયાન પ્રદીપ શર્મા પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો. જોકે ત્યારબાદ પ્રદિપ શર્માએ આ મામલે ચાર્જસીટ બાદ તપાસ યોગ્ય ન થઇ હોવાની અરજી કરી હતી.
શું હતો મામલો ? સમગ્ર કેસ અંગે માહિતી આપતા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, પ્રદીપ શર્મા વર્ષ 2003થી 2006 દરમિયાન કચ્છના કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતાં. પોતાની ફરજ દરમિયાન પ્રદીપ શર્માએ વેલસ્પન ઇન્ડિયા લિમિટેડ અને જિન્દાલ શો પાઇપ્સ કંપનીને ગેરકાયદે રીતે નીચા ભાવે જમીન ફાળવણી કરી હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. બંને કેસમાં CID ક્રાઈમે પ્રદીપ શર્માની ધરપકડ કરી અને તેમને પાલારા જેલમાં મોકલ્યા હતા.
જેલમાંથી મોબાઈલ મળ્યો : પાલારામાં જેલવાસ દરમિયાન પ્રદીપ શર્મા મોબાઈલ ફોનનો ગેરકાયદે ઉપયોગ કરતાં હોવાની તત્કાલિન એસપી જે.એન. રાજગોરને બાતમી મળી હતી. તા 13-06-2011 ના રોજ તેમણે LCB અને SOG ટૂકડીને મોકલી જેલની અંદર ઝડતી લેવડાવી હતી. તપાસ દરમિયાન પ્રદીપ શર્માની બેરેકમાંથી નોકિયા કંપનીનો 3319 મોડેલનો કાળા કલરનો સીમકાર્ડ સાથેનો ચાલુ હાલતમાં મોબાઇલ ફોન મળી આવ્યો હતો.
પ્રદીપ શર્માની બેરેકના બાથરૂમની દિવાલ ઉપ૨ પણ મોબાઇલ નંબરો લખેલાં મળી આવ્યા હતા. આ મામલે તત્કાલિન SOG પોલીસ ઈન્સ્પેક્ટરે સ૨કા૨ તરફે પ્રદીપ શર્મા વિરુધ્ધ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. ગુનાની તપાસ કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચે પાછળથી ફોન અને સીમકાર્ડની વ્યવસ્થા કરી આપનાર અન્ય આરોપીઓ સામે પણ કાર્યવાહી કરી હતી.-- કલ્પેશ ગોસ્વામી (સરકારી વકીલ)
પ્રદીપ શર્માને સજા : ભુજની અલગ-અલગ કોર્ટ બાદ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જોકે, ત્યારબાદ પ્રદિપ શર્માએ આ અરજી વિડ્રો કરી હતી. ત્યારબાદ કોર્ટમાં ફરી કલમ 188 જાહેરનામા ભંગની ફરીયાદ દાખલ થઈ હતી. આ કેસ ભુજ કોર્ટમાં ચાલી ગયા બાદ આજે ચીફ જ્યુડિશિયલ કોર્ટે આ મામલે ચુકાદો આપ્યો હતો. 2011માં જેલની ઝડતી દરમિયાન પ્રદીપ શર્મા પાસેથી મળી આવેલા ફોન બાબતે પ્રદીપ શર્માને એક મહિનાની સજા અને 200 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
અધિકારીઓના નિવેદન અને પુરાવા : કોર્ટે પાંચ અધિકારીઓના નિવેદન અને કોર્ટમાં રજુ કરેલા પુરાવાને ધ્યાને રાખી સજા ફટકારી હતી. તાજેતરમાં જ કચ્છના ગાંધીધામ વિસ્તારની એક જમીન મામલે CID ક્રાઇમમાં પ્રદિપ શર્મા વિરુદ્ધ ગુન્હો નોંધાયો હતો. જેમાં તેમને જેલ હવાલે કરાયા હતા. આજે જાપ્તા હેઠળ ભુજ કોર્ટમાં પ્રદિપ શર્મા ચુકાદા સમયે હાજર રહ્યા હતા.