કચ્છ રણ, ડુંગર અને દરિયો એમ ત્રણ વિશેષતા ધરાવતા સરહદી જિલ્લા કચ્છમાં આજે આતંરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અહીં 16 દેશોના રંગબેરંગી પતંગોથી કચ્છના સફેદ રણનું આકાશ રંગોથી ભરાઈ ગયું હતું. ત્યારે અહીં અન્ય કયા લોકોએ ભાગ લીધો હતો તે અંગે જોઈએ આ અહેવાલમાં.
16 દેશના પતંગબાજોએ લીધો ભાગ આ વર્ષે સફેદ રણમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં મોરિશિયસ, મલેશિયા, ઇન્ડૉનેશિયા, ઈઝરાયેલ, મેક્સિકો, નેપાલ, નેધરલેન્ડ, ફિલિપિન્સ, લેબનાન, લિથૂઆનિયા, મોરક્કો, સાઉથ આફ્રિકા, સ્લોવેનિયા,, સિન્ટ ઓસ્ટીટિયસ, પોર્ટુગલ દેશોના તથા ઈન્ડિયાના રાજસ્થાન, સિક્કિમ, મધ્ય પ્રદેશ, પોન્ડુચેરી, તેલેંગાના, કર્ણાટકા, ઓરિસ્સા, ગુજરાત સહિતના 16 દેશના પતંગબાજો ભવ્ય આતંરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023માં ભાગ લીધો હતો.
સ્થાનિક લોકોએ પણ મહોત્સવને ઉમંગભેર માણ્યો કચ્છના આંગણે થતી ઉજવણીને લીધે દેશવિદેશના અવનવા પતંગો સાથેના કરતબો માણવાના અવસરનો લાભ પણ લોકોને પ્રાપ્ત થયો હતો. દેશવિદેશનાં પતંગબાજોને કોઇ ખલેલ પહોંચે નહીં અને શાંતિથી પતંગની મજા માણી શકે તે માટે સફેદ રણ ધોરડો ખાતે તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ધોરડો ખાતેના આ મહોત્સવને સ્થાનિક લોકોએ પણ ઉમંગભેર માણ્યો હતો અને અવનવા પતંગોથી આકાશ રંગીન બની ગયું હતું.
વિશેષ વ્યવસ્થાઓ આ કાર્યક્રમને અનુરૂપ પતંગબાજો માટેના સ્ટોલ, સ્ટેજ તેમ જ આનુષંગિક અન્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તૃતિ, પતંગબાજોનું સન્માન સિવાય ફાયર બ્રિગેડ, મોબાઇલ ટોયલેટની સુવિધા, પાર્કિંગ વ્યવસ્થા, મેડીકલ ટીમ, પોલીસ વ્યવસ્થા, ટ્રાફિક નિયમન પણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો Makar Sankranti 2023 ભાવવધારો છતાં ભુજના પતંગ બજારમાં ભીડ, કિન્યા બાંધેલા પતંગની વધી માગ
સ્થાનિકોને પતંગોત્સવનો લાભ લેવા અનુરોધ કચ્છ કલેકટર દિલીપ રાણાએ 16 દેશોના તથા ભારતમાં જુદાં જુદાં રાજ્યોના પતંગ બાજોને આવકાર્યા હતા અને સફેદ રણ તથા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની મુલાકાત લેવા અપીલ કરી હતી.
ટિવીમાં જોતા પતંગોત્સવ આજે લાઈવ માણ્યો પ્રેક્ષક તરીકે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ માણવા આવેલા પ્રવાસીઓએ પણ કચ્છના સફેદ રણમાં રંગબેરંગી પતંગ જોઈને મંત્રમુગ્ધ થયા હતા. તથા આ અગાઉ ટિવીમાં જોઈને પતંગ ઉત્સવનો આનંદ માણતા ત્યારે આજે સ્થળે આવીને પતંગોત્સવની મજા માણી હતી.
વસુધૈવ કુટુમ્બકમની ભાવના બર્લિનના પતંગબાજ એલિએ કચ્છની સંસ્કૃતિ, લોકો અને મહેમાનગતી વાત કરી હતી તથા કચ્છના સફેદ રણમાં અદભૂત અનુભવની વાત કરી હતી.વસુધૈવ કુટુમ્બકમની ભાવના અંગે પણ વાત કરી હતી. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લઈને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
પતંગોત્સવ માટે કચ્છનું રણ પ્રિય લિથૂઆનિયાના પતંગબાજ ડોનતાસે જણાવ્યું હતું કે, દર વર્ષે જ્યારે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ માટે રજિસ્ટ્રેશન કરાવું છું. ત્યારે કચ્છના સફેદ રણમાં આ પતંગોત્સવ ઉજવાશે કે નહીં તે પ્રથમ પ્રશ્ન હોય છે કારણ કે, અહીં સૌથી વધારે મજા આવે છે.
કલેક્ટરની ઉપસ્થિતિમાં કરાયું ઉદ્ઘાટન ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રવાસન નિગમ અને કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સફેદ રણમાં આંતરરાષ્ટ્રીય પંતગોત્સવનું આયોજન કરાયું હતું. સફેદ રણની ચાંદની માણવા આવતા પ્રવાસીઓ પતંગ મહોત્સવ નિહાળી અભિભૂત થયા હતા. આ મહોત્સવમાં વિવિધ દેશો, વિવિધ રાજ્યો અને કચ્છના પતંગરસિયાઓ ઉત્સાહભેર જોડાયા હતા. ત્યારે કચ્છના કલેક્ટર, ભુજ મતવિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારાના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2023નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.