આગામી ગુરુવાર અને શુક્રવાર દરમ્યાન કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગે કરી છે. મધ્ય પ્રદેશના ઉત્તરીય ક્ષેત્રમાં સર્જાયેલી સકર્યુલેશનની સ્થિતિ આવનારા પાંચ દિવસ દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ વરસાવશે. કચ્છમાં આ આગાહીથી નવી આશા જાગી છે. બે-ત્રણ દિવસ પછી નિશ્ચિત ગણાવાઇ રહેલો વરસાદનો આ છેલ્લો રાઉન્ડ કચ્છમાં વરસાદી પાણીની ખાધ પૂરી નાખે તેવી આશા કચ્છી જનજીવનમાં બંધાઇ છે.
આ ચોમાસામાં વિલંબ પછી વાલીડો વરસ્યો અને મેઘલ માહોલથી કચ્છના માડૂ અને ખેડુ ખુશ થઇ ગયા છે. છેલ્લા એકાદ પખવાડિયાથી ઉષ્ણતામાપક પારો સહેજ ઊંચકાયો છે. ભૂજ સહિતના શહેરમાં 35 ડિગ્રી તાપમાન નોંધાઈ રહયું છે. ત્યારે મેઘરાજા કચ્છની ધરતીને ઠારે, તો સૂકી ખેતીમાં પણ પ્રાણ ફૂંકાય તેવી આશા કચ્છીમાંડુઓ રાખીને આતુરતાથી રાહ જોઈ રહયા છે.