- કચ્છમાં ઓક્સિજનની અછત દૂર કરવા ફોકીઆએ 85 લાખના 275 ઓક્સિજન કનસન્ટ્રેટર આપ્યા
- ઓક્સિજન કન્સન્ટ્રેટર વાતાવરણમાં રહેલા વાયુમાંથી નાઈટ્રોજનને છુટો પાડી પ્રાણવાયુમાં ફેરવે છે
- ફોકીઆ દ્વારા કચ્છના દરેક તાલુકામાં ઓક્સિજન કન્સન્ટ્રેટર આપવાનું આયોજન
કચ્છ: રાજ્ય અને દેશની સાથોસાથ કચ્છમાં પણ કોરોના મહામારી વચ્ચે ઓક્સિજનની અછત એક મોટી સમસ્યા બની ગઈ છે. ત્યારે, કચ્છમાં હવે ઓક્સિજનની કટોકટી સર્જાય તેવી સ્થિતી નથી. આગળના સમયમાં કચ્છમાં ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે ઉદ્યોગ, સરકારી વિભાગ દ્રારા મદદ માટે પહેલ કરાઇ છે. જે અતર્ગત, વિવિધ ઓદ્યોગીક એકમોએ ઓક્સિજન પ્લાન્ટ સહિતની સુવિદ્યા માટે લાખો રૂપીયાની મદદ કરી છે. જેથી, કદાચ હવે ઓક્સિજનની અછત કચ્છમાં ભુતકાળ બની રહેશે.
આ પણ વાંચો: મુન્દ્રા પોર્ટથી 140 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન રેલ માર્ગે દિલ્હી મોકલાયું
વાયુમાંથી નાઈટ્રોજનને છુટો પાડી તેને પ્રાણવાયુમાં ફેરવે છે
કચ્છના ઉદ્યોગીક સંગઠન ફોકીઆ દ્વારા વિવિધ ઉદ્યોગો અને સામાજિક અગ્રણીઓની મદદ દ્વારા કચ્છના દરેક તાલુકામાં ઓક્સિજન કન્સન્ટ્રેટર આપવાનું આયોજન ઘડવામાં આવ્યું છે. ઓક્સિજન કન્સન્ટ્રેટર વાતાવરણમાં રહેલા વાયુમાંથી નાઈટ્રોજનને છુટો પાડી તેને પ્રાણવાયુમાં ફેરવે છે. તેના ઓક્સિજન ફલૉરેટ૨થી 9 લિટર પ્રતિ મિનિટ એડજેસ્ટ કરી શકાય છે.
ફોકીઆને ઉપકરણો ડોનેટ કરવા માટે અપીલ
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ બાબતે રાજ્યપ્રધાન વાસણ આહિર, સંસાદસભ્ય વિનોદ ચાવડા તેમજ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુ પટેલના માધ્યમથી ફોકીઆને ઉપકરણો ડોનેટ કરવા માટે અપીલ કરવામાં આવી હતી.
85 લાખની કિંમતના 275 ઓક્સિજન કન્સન્ટ્રેટર અપાયા
ફોકીઆ દ્વારા લગભગ 275 જેટલા ઓક્સિજન કન્સન્ટ્રેટર ખરીદવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેની, કુલ કિંમત આશરે 85 લાખ જેટલી થાય છે. પ્રથમ ચરણમાં આ પૈકી ફોકીઆને 65 જેટલા ઓક્સિજન કન્સન્ટ્રેટર મળેલા છે. ત્યારબાદ, તબક્કાવાર 275 કચ્છના વિવિધ જીલ્લામાં ફાળવાશે.
આ પણ વાંચો: મુફ્તી એ કચ્છનું નિધન: અનુયાયીઓ કોરોનાની ગાઇડલાઇન ભૂલી દફનવિધિમાં જોડાયા
કંપનીના પ્રતિનિધિઓ અને વિવિધ સંસ્થાઓનો સહયોગ
આ પ્રોજેક્ટ સંદર્ભે ફોકીઆના ડાયરેક્ટર અને પ્રોજેક્ટ ચેરમેન, તલક્ષી નંદુએ ઉદ્યોગગૃહો, દાતાઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ફોકીઆના જીગર મકવાણા અને કમલેશ દેવરીયાએ ઉપકરણોની ખરીદી તેમજ કંપનીના પ્રતિનિધિઓ અને વિવિધ સંસ્થાઓ સાથે સંકલન કરી સહયોગ પૂરો પાડેલો હતો.
કચ્છના 10 તાલુકામાં સેવાકીય સંસ્થાઓને ઓક્સિજન કન્સન્ટ્રેટર અપાશે
પ્રોજેકટ ચેરમેન તલક્ષી નંદુએ પ્રોજેકટ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, કચ્છના ઉદ્યોગોએ ઉદાર હાથે ફાળો આપીને 85 લાખની કિંમતના 275 ઓક્સિજન કન્સન્ટ્રેટરનું દાન જાહેર કર્યું છે. આ ઉપરાંત, તમામ ટ્રસ્ટીઓ અને ઉદ્યોગપતિઓનો પણ આ કાર્યમાં સહયોગ મળ્યો છે. આથી, હવે ઓક્સિજન કન્સન્ટ્રેટર કચ્છના 10 તાલુકામાં સેવાકીય સંસ્થાઓને આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.