- ગદ્દાર મોહમ્મદ સજ્જાદ પાસે જુદી જુદી જન્મતારીખના આઇડી પ્રૂફ
- 2011માં 46 દિવસ પાકિસ્તાનમાં રોકાયો હતો
- દુશ્મન રાષ્ટ્રને દેશની આંતરિક સુરક્ષા અંગેની માહિતી પહોંચાડતો
કચ્છઃ કચ્છ સીમાની જાસૂસી કરતાં બીએસએફ જવાનને ગુજરાત ATS દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. એ.ટી.એસ.ના અધિકારીઓને આધારભુત અને વિશ્વસનીય સૂત્રો તરફથી હકીકત બાતમી મળી હતી કે સજ્જાદ સન ઓફ મોહમ્મદ ઇમ્તીયાઝ કે જમ્મુ કાશ્મીરનો રહેવાસી છે અને હાલમાં બી.એસ.એફ.બટાલીયન 74 માં A કંપનીમાં ગાંધીધામ કચ્છ ખાતે ફરજ બજાવે છે.
અતિ ગુપ્ત અને સંવેદનશીલ માહિતી પોતાના મોબાઇલ મારફતે પાડોશી દેશમાં મોકલતો
મહમ્મદ સજ્જાદ BSF ની અતિ ગુપ્ત અને સંવેદનશીલ માહીતી પોતાના મોબાઇલ મારફતે પડોશી દેશ પાકિસ્તાનમાં મોકલે છે. અને તેના બદલામાં પૈસા મેળવી દેશ વિરોધી પ્રવૃત્તી કરી રહ્યો હતો. આ બાતમીના આધારે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.
બંન્ને આઇડી પ્રૂફમાં જુદી જુદી જન્મતારીખ
સજ્જાદ 2012માં BSFમાં જોડાયો હતો. જો કે, તેના આધાર કાર્ડ અને પાસપોર્ટમાં બે અલગ અલગ જન્મ તારીખ દર્શાવાયેલી છે. મોબાઈલ સીમ ખરીદતી વખતે આપેલાં આધાર કાર્ડમાં તેની જન્મ તારીખ 01-01-1992 છે. જ્યારે, પાસપોર્ટમાં તેની જન્મ તારીખ 30-01-1985 દર્શાવેલી છે.
2011માં 46 દિવસ પાકિસ્તાનમાં રોકાયો હતો
BSFમાં જોડાયો તે અગાઉ 01-12-2011ના રોજ અટારી રેલવે સ્ટેશનથી સમજોતા એક્સપ્રેસ દ્વારા પાકિસ્તાનની મુલાકાતે ગયો હતો અને 16-01-2012 સુધીના 46 દિવસ ત્યાં રોકાયો હતો. ઓવરએજ થઈ ગઈ હોવા છતાં ખોટી જન્મ તારીખ આપી તે જાસૂસીના હેતુસર BSFમાં જોડાયો હોવાની ATSને આશંકા છે.
જુલાઈ 2021માં ગાંધીધામ ખાતે બદલી થઇ
સજ્જાદ છેલ્લાં પાંચ-છ વર્ષથી BSFની મૂવમેન્ટ સહિતની ગુપ્ત માહિતી પાકિસ્તાનમાં મોકલતો હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. જૂલાઈ 2021માં ગાંધીધામ ખાતે તેની બદલી થઈ હતી. આ પૂર્વે તે ત્રિપુરામાં ફરજ બજાવતો હતો. તપાસમાં બહાર આવ્યું કે તેની પાસે એક બીજો પણ ફોન હતો. 07-11-2020 રોજ તેણે ત્રિપુરાના સત્યગોપાલ ઘોષ નામના શખ્સના નામે બીજું સીમ કાર્ડ ખરીદી એક્ટિવ કર્યું હતું.
OTP મારફતે પાકિસ્તાનમાં વોટસએપ ચાલુ
સત્યગોપાલ ઘોષ નામના આ સીમ કાર્ડના ટેકનિકલ એનાલિસીસમાં સ્પષ્ટ થયું છે કે 15-01-2021 રોજ તેમાં એસએમએસથી એક OTP આવ્યો હતો. આ OTP પાકિસ્તાનમાં મોકલી વોટસએપ ચાલુ કરાવી તેના પર ગુપ્ત માહિતી મોકલતો હતો. આ વોટસએપ હજુ પણ એક્ટિવ છે અને કોઈ પાકિસ્તાની શખ્સ તેનો ઉપયોગ કરે છે તેમજ તે સજ્જાદના સંપર્કમાં છે. ATSએ તેની પાસે રહેલાં બે મોબાઈલ ફોન અને બે સીમ કાર્ડ સાથે વધારાના બીજા બે સીમ કાર્ડ કબ્જે કર્યાં છે.
દુશ્મન રાષ્ટ્રને દેશની આંતરિક સુરક્ષા અંગેની માહિતી પહોંચાડતો
આ મામલે સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર સજજાદ નામનો BSF નો ગદ્દાર કોન્સટેબલ સામે પાર દુશ્મન રાષ્ટ્રને માહિતી મોકલતો હતો તેમા ફોનનો ઉપયોગ કરતો હતો અને તે ફોનમાં સામેવાળી વ્યકિતને અંકલ તરીકે બોલાવતો હોવાની વાત સામે આવી હતી.
આરોપી પાકિસ્તાનમાં કોઈ "અંકલ" સાથે હતો સંપર્કમાં
આ ઉપરાંત સવાલો એ ઊભા થયા હતા કે, આ અંકલ કોણ છે? હજુ સતાવાર રીતે કોઈ માહિતી બહાર નથી આવી પરંતુ સૂત્રોનું માનીએ તો આ અંકલ પાકિસ્તાની ખુફીયા એજન્સી આઈએસઆઈનો એક ઓફિસર હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. BSF ના કોન્સટેબલ સજજાદનો હેન્ડલર આ આઈએસઆઈનો ઓફિસર જ હોવાનુ સામે આવવા પામ્યું છે. નોધનીય છે કે, આઈએસઆઈનો આ ઓફિસર સજજાદનો સબંધી છે. અને સજજાદ તેના મારફતે જ હેન્ડલ થતો હતો.
કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
આરોપી મોહમ્મદ સજ્જાદ દેશની આંતરિક સુરક્ષા અંગેની માહિતી પાડોશી દુશ્મન દેશને આપી રહ્યો હતો આજે તેને ભુજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ATS દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી અને કોર્ટે ગુનાની ગંભીરતા, તથા BSFના કોન્સ્ટેબલ હોવા છતાં પોતાની નૈતિક ફરજ વિરુદ્ધ જઈને દેશની સુરક્ષા અંગે દુશ્મન રાષ્ટ્રને માહિતી આપવાના ગંભીર ગુનાને ધ્યાનમાં રાખીને આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
આગામી સમયમાં વધુ પૂછપરછ દરમિયાન ખુલાસા થશે
આગામી સમયમાં આરોપી જે જે જગ્યાએ ડ્યુટી બજાવતો હતો તે ઉપરાંત આરોપી દ્વારા પાડોશી દેશમાં આપણા દેશની કંઈ કંઈ માહિતી પાડોશી દેશની ગુપ્તચર એજન્સીઓને આપી છે તથા દુશ્મન રાષ્ટ્રના ઉચ્ચ અધિકારીઓ સાથે તેના કેવા સબંધ છે? ઉપરાંત તેને ક્યાં ક્યાં લોકો સાથે સંપર્કો પ્રસ્થાપિત કર્યા હતાં તેની વધારે પૂછપરછ કરવામાં આવશે અને હવે સજ્જાદની વધુ પૂછપરછ બાદ કંઈક નવા ખુલાસા આ કેસમાં થશે.
આ પણ વાંચોઃ દેશ સાથે ગદ્દારી કરનાર BSF જવાનના 10 દિવસના રિમાન્ડ મંજૂર
આ પણ વાંચોઃ આંધ્રપ્રદેશ નેવી ઓફિસરોની જાસૂસી મામલે ગોધરાથી એકને ઝડપી પાડતી આંધ્ર ઈન્ટેલિજન્સ