માહિતી પ્રમાણે, મુન્દ્રા તાલુકાના રામાણીયા ગામના એક ખેડૂતે વરસાદી પાણીનો સંગ્રહ કરી કુવાને રીચાર્જ કર્યો છે. ખેડૂતે પોતાના 12 એકર ખેતરને ઢાળ આપી વરસાદી પાણીને વાડીના કુવામાં સંગ્રહિત કરીને ચોમાસાના પ્રથમ વરસાદમાં કુવો પાણીથી ભરી લીધો છે. જુઓ એક ખેડૂતની સફળતાનું પ્રેરણાદાયી જળસંચય.
કચ્છના મુન્દ્રા તાલુકાના રામાણીયા ગામના ખેડૂત શાંતિલાલ સાવલાએ વરસાદી પાણીનો સંગ્રહ કરી જળક્રાંતિ કરી છે. શાંતીલાલ સાવલાએ પોતાની 12 એકર જમીનમાં જળસંચય અભિયાન માટે માત્ર 15 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે. તેમણે કુવા પાસે પાણીની ટાંકી બનાવી છે, જેમાં દેશી પદ્ધતિથી પથ્થર મુકીને ફિલ્ટર પ્લાન્ટ તૈયાર કર્યો છે. વરસાદ દરમિયાન ખેતરમાં આવતું તમામ પાણી સીધું ફિલ્ટર થઈને આ કુવામાં જાય છે.
ખેડૂતના આ જળસંચયનો પ્રયાસ એટલો સફળ રહ્યો છે કે, હવે વરસાદ ન આવે તો પણ ખેતરનીમ પિયત ચિંતા રહી નથી. કારણ કે, પ્રથમ વરસાદમાં જ કુવો રીચાર્જ થઈ ગયો છે. કચ્છ જિલ્લામાં ચિંતાજનક રીતે ભૂગર્ભ સ્તર નીચા જઈ રહ્યા છે ત્યારે રામાણીયા ગામના આ ખેડૂત દ્વારા કરવામાં આવેલા જળસંચય અભિયાન અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરૂ પાડી રહ્યું છે. સાથે જ અન્ય ગામના લોકો આ રીતે જળ સંચય અભિયાનની શરુઆત કરે તો ખેડૂતો પાણીની સમસ્યામાંથી છુટકારો મેળવી શકે છે.