- કચ્છમાં ખેતી નુકસાનીના સર્વની કામગીરી 40 ટકાએ પહોંચી
- ખેડૂતોએ સર્વે વગર સહાય ચૂકવવાની માંગ કરી
- વરસાદને પગલે નુકસાન અંગે સરકારના નિયમો મુજબ સહાય ચુકવાઇ રહી છે : જિલ્લા વિકાસ અધિકારી
કચ્છ: જિલ્લામાં આ વર્ષ 250 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સરેરાશ કરતાં 150% વરસાદે પગલે જિલ્લામાં વ્યાપક નુકસાન થયા તે સમજી શકાય તેમ છે. આ સ્થિતિમાં પાકનું ધોવાણ, ખેતરનું ધોવાણ, ખેતરોમાં પાણીનો ભરાવો ઊભા મોલ નિષ્ફળ થવા અને બાગાયતી ખેતીમાં ફૂગને પગલે પાક સડી ગયો છે. જગતના તાતની આ મુશ્કેલભરી સ્થિતિમાં હવે સરકાર જ સહાય કરી શકે તેમ છે. ખેડૂતો લાંબા સમયથી સહાય માટે માંગ કરી રહ્યા છે, પણ હજુ સર્વની કરવાની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. ત્યારે ખેડૂતો સર્વ વગર સહાય ચૂકવવાની માંગ કરી રહ્યા છે.
કચ્છમાં ખેતી નુકસાનીના સર્વની કામગીરી 40 ટકાએ પહોંચી, સર્વે વગર સહાય ચૂકવવાની ખેડૂતોની માંગ કચ્છ જિલ્લા કિસાન સંઘના પ્રમુખ શિવજીભાઇ આહિરે Etv Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ખેડૂતોની મદદની વાત કરતી સરકારે સીધી જ સહાય ચૂકવી જોઈએ. 250 થી 300 ટકા વરસાદના આંકડા સામે આવતા હોય ત્યારે સર્વે માટે રાહ જોવડાવી એ તે એક પ્રકારે ખેડૂતને વધુ કપરી સ્થિતિમાં મૂકી રહ્યા છે. જિલ્લા પંચાયત સર્વેની કામગીરી કરી રહ્યું છે, પણ હજુ 10 ટકા કામગીરી પણ થઇ નથી. ગ્રામ સેવકો પાસે આ કામગીરી થાય છે. જિલ્લામાં 133 ગ્રામ સેવકની જગ્યા છે અને એક ગ્રામ સેવક પાસે 10 થી 15 ગામ છે. તેમાં પણ 86 જગ્યા ભરાયેલી છે. આ સ્થિતિમાં સર્વે ક્યારે થશે તે મોટો સવાલ છે. 18 હજાર હેક્ટરમાં દાડમની પાક વિશેની નુકશાની માટે હજુ કોઈ સૂચના જ નથી આવી. ત્યારે હવે સરકાર ક્યારે સર્વે કરાવશે, ક્યારે સહાય મળશે અને ક્યારે ખેડૂતોને મદદ મળશે તે નક્કી નથી. ખેડૂતોને રાહ જોવડાવ્યા વિના સરકારે તત્કાળ સહાય આપવી જોઈએ. જેથી ટૂંકાગાળાના પાક લઈને પણ ખેડૂત થોડી રાહત મેળવી શકે.આ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશીએ Etv Bharatને જણાવ્યું હતું કે, જિલ્લામાં વરસાદથી નુકસાન અંગે સર્વેની કામગીરી ચાલી રહી છે, વિવિધ ગામોમાં 83 ટીમો કામે લાગેલી છે. અત્યાર સુધીમાં 35 થી 40 ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે. તેમજ હજુ કામગીરી સતત ચાલી રહી છે. તે દરમિયાન વરસાદને પગલે જાનહાનિ જાનમાલના નુકસાન અંગે સરકારના નિયમો મુજબ સહાય ચુકવાઇ રહી છે. ખેડૂતો અંગે સર્વે વગર તત્કાળ સહાય માટે વિવિધ પ્રતિનિધિઓએ રજૂઆત કરી છે અને રાજ્ય સરકારના નિયમો આદેશ અને સૂચના મુજબ કામગીરી થશે.