કચ્છ : સરહદી જિલ્લા કચ્છમાં છેલ્લા ચારેક દિવસથી કેફી દ્રવ્યોનો જથ્થો મળી રહ્યો છે. ત્યારે આજે અબડાસાના જખૌના પિંગલેશ્વર દરિયાઈ વિસ્તારમાંથી ચરસ અને વિસ્ફોટક સેલ જેવી વસ્તુ મળી આવી છે. સ્ટેટ IB, NIU અને જખૌ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આ ગેરકાયદેસર વસ્તુઓ મળી આવી હતી. હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયાઈ વિસ્તારમાં વધુ કડક તપાસ હાથ ધરવામાં આવી છે.
વિસ્ફોટક સેલ મળ્યો : કચ્છના અબડાસા વિસ્તારમાં ખાસ કરીને જખૌના દરિયાઈ વિસ્તારમાં અવારનવાર ચરસ, હિરોઈન જેવા કેફી દ્રવ્યોનો જથ્થો મળતો આવી રહ્યો છે. આજે જખૌના પિંગલેશ્વર દરિયાઈ વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન સ્ટેટ IB અને NIU ને એક વિસ્ફોટક સેલ જેવી વસ્તુઓ મળી આવી હતી. જેને કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પિંગલેશ્વર નજીકથી વિસ્ફોટક સેલ મળતા Dysp સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઉપરાંત પોરબંદરથી ઇન્ડિયન નેવીની ટીમ પણ કચ્છ આવવા રવાના થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે.
ચરસનો જથ્થો : વિસ્ફોટક સેલની સાથે સાથે જખૌ પોલીસને પણ 10 જેટલા ચરસના પેકેટો મળી આવ્યા છે. આ જથ્થો એક મોટા પીળા રંગના પ્લાસ્ટિકના કોથળામાંથી મળી આવ્યો હતો. છેલ્લા બે દિવસમાં જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા 50 જેટલા ચરસના પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, જખૌના દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાનથી અવારનવાર દરિયાઈ મોજામાં તણાઈને આવેલ અથવા મોકલવામાં આવેલ કેફી દ્રવ્યોનો જથ્થો મળી આવતો હોય છે.
સઘન સર્ચ ઓપરેશન : 15 એપ્રિલ 2023 થી આજ સુધી જખૌ કિનારેથી ચરસના 101 પેકેટ અને હેરોઈનના 10 પેકેટ ઝડપાયા છે. આજે મળી આવેલ વિસ્ફોટક સેલ વપરાયેલો છે કે હજી તેમાં વિસ્ફોટ થઈ શકે તેવું છે તે સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે વિવિધ સુરક્ષા એજન્સીઓએ જખૌ તટના વિવિધ વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ સમગ્ર મામલે જખૌ પોલીસ સ્ટેશનના PSI વાલસિંહ ડામરનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો.