- ગામની મહિલાઓને પગભર કરવા કરાયો પ્રયોગ
- ધી 15 વુમન એન્ટરપ્રાઇઝ સ્ટોલ ખોલીને દિવાળીની ઉજવણીને લગતી વસ્તુઓનું કરાઈ રહ્યું છે વેંચાણ
- બહેનોના આ સાહસને કુનરીયા ગ્રામ પંચાયતે બિરદાવ્યું
કચ્છ: કુનરીયા (kunaria) ગ્રામ પંચાયત કે જે હંમેશા મહિલાઓને અગ્રતા રાખીને મહિલાઓના કલ્યાણ માટે કાર્ય કરતી હોય છે. કુનરીયા ગ્રામ પંચાયત દ્વારા એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં કુનરીયા ગામની 15 જેટલી મહિલાઓને રોજગારી મળી રહે તે ઉદ્દેશ્યથી "ધી 15 વુમન એન્ટરપ્રાઇઝ" નામથી સ્ટોલ ખોલવામાં આવ્યું છે. જેમાં ફટાકડા, રંગોળીના કલર, તોરણ, મુખવાસ, પ્રસાદ, સ્ટીકર વગેરેનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: કચ્છના વાગડમાં મિશન મંગલમ દ્વારા અસંખ્ય મહિલાઓ પગભર થઈ
બહેનોને 50,000 રૂપિયાની રકમ રિકરિંગ ફંડ તરીકે આપવામાં આવી
કુનરીયા ગ્રામ પંચાયત, ચોલા મંડળ અને પ્રયાસ સંસ્થાના સહયોગથી કુનરીયા (kunaria) ગામની બહેનો માટે આ દિવાળી (Diwali festival) ની ઉજવણી માટેની તમામ પ્રકારની ચીજવસ્તુઓનો સ્ટોલ ધી 15 વુમન એન્ટરપ્રાઇઝ ખોલવામાં આવ્યો છે. જેમાં શહેર કરતા ખૂબ વ્યાજબી ભાવે ગામના લોકો ખરીદી કરી શકે છે. ચોલા મંડળ અને પ્રયાસ સંસ્થા દ્વારા આ બહેનોને 50,000 રૂપિયાની રકમ રિકરિંગ ફંડ તરીકે આપવામાં આવી છે, જેનો ઉપયોગ કરી બહેનો આર્થિક પગભર થશે.
આ પણ વાંચો: ભારતીય મહિલાઓએ ઓસ્ટ્રેલિયાની 26 મેચની વિનિંગ રનનો અંત કર્યો
ગામની મહિલાઓ પગભર થઈ સક્ષમ બને તે ઉદ્દેશ્ય
આ નવતર પ્રયોગ (New experiment) પાછળનો ઉદ્દેશ્ય ગામની મહિલાઓ પગભર થાય તથા ગામડાંના લોકો શહેરમાં જઈને વધારે રૂપિયા આપીને વસ્તુની ખરીદી કરે છે. એના કરતાં ગામમાં જ વ્યાજબી ભાવે ખરીદી કરે, જેથી ગામના પૈસા ગામમાં જ રહે અને મહિલાઓ પણ સક્ષમ બને તે હેતુસર આ ધી 15 વુમન એન્ટરપ્રાઇઝ સ્ટોલ ખોલવામાં આવ્યું છે.
સ્ટોલ ખોલીને ખૂબ આનંદ થયો: સ્થાનિક મહિલા
સ્થાનિક મહિલાએ જણાવ્યું હતુ કે, અમે લોકોએ પ્રથમ વખત આ સ્ટોલ ખોલ્યો છે અને ખૂબ આનંદ થઈ રહ્યો છે કે, અમારા ગામની મહિલાઓ પગભર થઈ રહી છે. આ પ્રયોગ બદલ અમે કુનરીયા ગ્રામ પંચાયત, ચોલા મંડળ અને પ્રયાસ સંસ્થાના આભારી છીએ.
હવે જાગૃત બન્યા છીએ અને આગળ આવીશું: સ્થાનિક મહિલા
અન્ય એક સ્થાનિક મહિલાએ જણાવ્યું હતુ કે, અમે જ્યારે આ તમામ વસ્તુઓની ખરીદી કરવા ગયા ત્યારે અમને સમજાયું કે આ બધું આપણે વેંચીને પણ પગભર થઈ શકીએ. શા માટે ખાલી પુરુષ જ આગળ રહે પણ હવે જાગૃત બન્યા છીએ તો અમે પણ સક્ષમ છીએ એમ સમજીને ગામની દરેક મહિલા રોજગાર મેળવીને આગળ આવે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.
બહેનોના આ સાહસને કુનરીયા ગ્રામ પંચાયત બિરદાવે છે: સરપંચ
ગામની બહેનો એ સામેથી ગ્રામ પંચાયતનો સંપર્ક સાધીને આ ધી 15 વુમન એન્ટરપ્રાઇઝ શરૂ કરવામાં આવ્યો છે અને આર્થિક રોજગારી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ 15 બહેનોને રોજગાર અને માર્કેટિંગ માટે તાલીમ પણ આપવામાં આવી છે. બહેનોના આ સાહસને કુનરીયા ગ્રામ પંચાયત બિરદાવે છે. આ ઉપરાંત આગામી દિવસોમાં સ્થાનિકે ચીજ વસ્તુઓ તૈયાર થઈ શકે તેના માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે. જેમાં સાબુ, શેમ્પૂ, મીણબત્તી, અગરબત્તી જેવું વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવશે અને ત્યારબાદ તેનું વેંચાણ પણ બહેનો દ્વારા કરવામાં આવશે.