કચ્છઃ રાજ્ય સહિત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તમામ તાલુકા મળીને 24 કલાકમાં 1000 મીમી જેટલો વરસાદ નોંધાયો છે. વર્ષ 1994 પછી એટલે કે 26 વર્ષ બાદ આ રીતે વરસાદ વરસતા સમગ્ર કચ્છ જિલ્લો જળબંબાકાર થઈ ગયો છે.
ભારે વરસાદને પગલે જિલ્લામાં અનેક માર્ગો ધોવાઈ ગયા છે. પુલ તૂટી ગયા છે. ભારે જાનહાનિ અને માલહાનિ થઈ છે. જો કે, 1994નો વરસાદનો રેકોર્ડ તૂટ્યો નથી, પરંતુ 2010માં થયેલા ભારે વરસાદનો રેકોર્ડ તૂટી ગયો છે.
આ અંગે ભૂજ સ્થિત ડિઝાસ્ટર મામલતદાર સી. જે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ વર્ષે તમામ તાલુકાઓ મળીને 24 કલાકમાં 1000 મીમી વરસાદ નોંધાયો છે. ગત વર્ષે 2019માં કચ્છમાં 187 ટકા વરસાદ નોંધાયો હતો. જેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં 213 ટકા વરસાદ નોંધાઈ ચૂકયો છે. ચોમાસુ પૂર્ણ થવામાં હજુ 20 દિવસથી વધુનો સમય બાકી છે.
જિલ્લામાં વરસાદની એવરેજ વધુમાં વધુ 800 મીમી સુધીની છે. જેની સામે આ વર્ષે 1000 મીમી સુધીનો વરસાદ પડી ગયો છે. 1994માં 24 કલાકમાં સરેરાશ અને તમામ તાલુકાઓની ગણતરી કરતા કુલ 38 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે વર્ષ 2010માં 34.5 ઈંચ વરસાદ સામે આ વર્ષે 36 ઈંચ વરસાદ પડયો છે. આમ, દસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે.
ભૂજ શહેરમાં વર્ષ 2010માં 36 ઈંચ વરસાદ પડ્યો હતો, જ્યારે આ વર્ષે 38 ઈંચ વરસાદ નોંધાયો છે. આ જ રીતે અંજારમાં 1127 મીમી એટલે કે સિઝનમાં કુલ 45 ઈંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત માંડવીમાં કુલ 56 ઈંચ વરસાદ નોંધાયો છે. જે 2010માં માંડવીમાં 58 ઈંચ નોંધાયો હતો. મુંદ્રામાં 45 ઈંચ રસાદ નોંધાયો છે, જ્યારે 2010માં 48 ઈંચ નોંધાયો હતો. કચ્છમાં વરસાદને પગલે જળસંગ્રહો છલોછલ ભરાઇ ગયા છે. આ વરસાદથી ગ્રાઉન્ડ વૉટરને પણ ફાયદો થશે અને ખેતીવાડી સહિતના ક્ષેત્રોમાં મોટો ફાયદો થશે.
જો કે, હવે વધુ વરસાદ પણ કચ્છને નુકસાન પહોંચાડી શકે છે. હંમેશા દુકાળનો ભોગ બનતા કચ્છમાં વધુ વરસાદથી લીલા દુકાળની સંભાવના પણ વ્યકત થઈ રહી છે.
રિપોર્ટર રાકેશ કોટવાલનો અહેવાલ, ETV Bharat