કચ્છ ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સએ તારીખ 11મી ઑક્ટોબર 2022ના રોજ મુન્દ્રા બંદરેથી (Mundra Port) રૂપિયા 17 કરોડની કિંમતની વિદેશી બ્રાન્ડની સિગારેટનું કન્ટેનર (DRI seized foreign brand cigarette) જપ્ત કર્યું છે. ચાલુ વર્ષે DRI અમદાવાદ દ્વારા સિગારેટ/ઈ-સિગારેટની આ ચોથી મોટી કાર્યવાહી છે. કસ્ટમ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઇ છે.
બ્રાન્ડેડ સિગારેટ DRI અમદાવાદના અધિકારીઓને ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી કે દાણચોરી કરતી સિન્ડિકેટ દ્વારા મુંદ્રા સી પોર્ટ (Mundra Port) પરથી ભારતમાં વિદેશી બ્રાન્ડની સિગારેટની દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે, કન્ટેનરની ઓળખ કરી અને ટ્રેક કરવામાં આવ્યો હતો. તારીખ 11.10.2022ના રોજ કન્ટેનરની તપાસમાં "માન્ચેસ્ટર" બ્રાન્ડની વિદેશી બ્રાન્ડની સિગારેટના 850 બોક્સ જણાઈ આવ્યા હતા. દરેક બોક્સમાં લગભગ 10 હજાર સિગારેટ ભરેલી હતી. રૂપિયા 17 કરોડની કિંમતની કુલ 85,50,000 વિદેશી બ્રાન્ડેડ સિગારેટ કસ્ટમ્સ એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવી હતી. આ કેસમાં વધુ તપાસ હજી ચાલુ છે.
DRIની કામગીરી ચાલુ વર્ષે DRI અમદાવાદ દ્વારા સિગારેટ/ઈ-સિગારેટની આ ચોથી મોટી કાર્યવાહી છે. કરવામાં આવેલ કાર્યવાહીની કુલ કિંમત 100 કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. એપ્રિલ 2022માં 17 કરોડ રૂપિયાની વિદેશી બ્રાન્ડની સિગારેટ જપ્ત કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2022ના મહિનામાં 68 કરોડની કિંમતની ઇ-સિગારેટની ઝડપવામાં આવી હતી. આ તમામ કાર્યવાહી દેશમાં સિગારેટની દાણચોરીને રોકવા માટે DRIની કામગીરીનો એક ભાગ છે.