કચ્છ: નવરાત્રી દરમિયાન માતાનામઢ દર્શન કરવાનું અનેરો ધાર્મિક મહત્વ રહ્યું છે. આ વર્ષે પણ માતાના મઢ જતા પદયાત્રીઓનો ઘોડાપુર જોવા મળ્યું છે. સમગ્ર ગુજરાત તેમજ દેશમાંથી માઈભકતો પદયાત્રા કરી માતાનામઢમાં બિરાજતા આશાપુરા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કચ્છના કુળદેવી આશાપુર માતાજીના પદયાત્રા કરીને દર્શન કરવાનું મહિમા દિનપ્રતિદિન વધી રહ્યો છે. માતાનામઢ દર્શન કરવા આવતા દર્શનાર્થી અનેક પ્રકારની માનતા માનીને માતાના ચરણોમાં શીશ ઝુકાવવા આવે છે.
શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા: માતાના મઢ ખાતે સવારના પાંચ વાગ્યાથી મંદિરે માતાજીના દર્શન માટે ભાવિકો મોટી લાઈન લાગી હતી. તો માતાના મઢ ખાતેના જાગીરના અન્નક્ષેત્રમાં શ્રદ્ધાળુઓની ભોજન પ્રસાદ માટેની પણ મોટી કતારો જોવા મળી હતી. મઢ ખાતે માઇભક્તોનું ઘોડાપુર ઉમટી પડતાં મંદિરનું પટાંગણ પણ ટૂંકું પડ્યું હતું. પ્રથમ નોરતા સુધીમાં જ ત્રણ લાખ જેટલા શ્રદ્ધાળુએ મા આશાપુરાના દર્શન કર્યા હોવાનું ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
પાંચ દિવસથી સતત પદયાત્રીનો પ્રવાહ: છેલ્લા પાંચ દિવસથી માતાના મઢ ખાતે સતત પદયાત્રીનો પ્રવાહ મઢ તરફ વહેતો જોવા મળ્યો હતો. હજારો કિલોમીટરનું કઠિન યાત્રા પૂરી કરી પદયાત્રી, સાઇકલયાત્રી ભુજ, જામનગર, ભાવનગર, રાજકોટ, વલસાડ, સુરત, મુંબઈ સહિતના અનેક શહેરો-ગામોમાંથી પદયાત્રી સંઘ મોટી સંખ્યામાં માતાના મઢમાં પહોંચ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
લોકો દૂર દૂરથી માતાજીના શરણે: છેલ્લા 27 વર્ષોથી મિત્રો સાથે મુલુંડથી માતાજીના દર્શનાર્થે માતાના મઢ ખાતે આવીએ છીએ. માં આશાપુરા પ્રત્યે જે શ્રધ્ધા છે તે અપાર શકિત છે. માતાજી પાસે જેટલું માંગ્યું છે માતાજી તે બધું આપ્યું છે. આજે અહીં માતાના મઢ ખાતે માઇભક્તોની જેટલી ભીડ જોઈએ છે તે ખરેખર ગજબ છે. લોકો દૂર દૂરથી માતાજીના શરણે શીશ નમાવવા આવ્યા છે. ત્યારે માતાજી સૌ કોઈ પર કૃપા વરસાવે તેવી પ્રાર્થના છે.
દર્શન કરવા આવે તેવી શક્યતા: નવરાત્રીમાં માતાનામઢ આશાપુરા માતાજીના દર્શન કરવાનો મહિમા અનેરો છે. સ્વયંભૂ પ્રગટેલા દેશદેવી આશાપુરા માતાજીના દર્શન માટે માઇભકતોનું ઘોડાપુર ઉમટી પડ્યુ છે. અત્યાર સુધીમાં ત્રણ લાખ માઈભક્તોએ આશાપુરા માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતાનામઢમાં બિરાજતા આશાપુરા માતાજીનો દર્શન કરવાનો મહિમા અનેરો છે. આ વર્ષે 8 લાખ દર્શનાર્થી માતાનામઢ દર્શન કરવા આવે તેવી શક્યતા છે. અત્યાર સુધીમાં 3 લાખ લોકો આશાપુરા માતાજીના દર્શન કર્યા છે. માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શન કરવા માટે આવતા ભક્તો માટે 24 કલાક પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. માતાનામઢનું મંદિર પરિસર જય આશાપુરા માતાજીના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે.