- રાજ્યના સીમાડાના જિલ્લામાં કોરોના કેસમાં વધારો
- ગામડાઓમાં કોવિડ સેન્ટર શરૂ કરવાની માંગ
- રસીકરણ ઓફલાઈન કરવામાં આવે
કચ્છ: હાલમાં સમગ્ર ગુજરાત રાજ્ય અને કચ્છ જિલ્લામાં કોરોનાની મહામારી વધી રહી છે. કચ્છ જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ સુધારવા તેમજ કોવિડ કેર સેન્ટરમાં યોગ્ય સુવિધાઓ શરૂ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી.
દર્દીઓને 100 કિમી દુર ભુજ જવુ પડે છે
હાલમાં દિનારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ખાવડા ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દરેક રોગોની પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે જેમાં કોરોના જેવી વિકટ હાલતમાં સારવાર કેન્દ્રો પર કોરોનાના નિયમો અનુસાર કોઇ સારવાર મળતી ન હોવાના કારણે લોકોને 90થી 100 કિલોમીટર ભુજ સુધી જવું પડે છે.
દિનારાના જુના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ કેર સેન્ટર ખોલવાની માગ કરવામાં આવી છે જેથી લોકોની મુશ્કેલીઓ હળવી થાય અને આ સેન્ટરમાં પૂરતી મેડિકલ સુવિધાઓ આપવામાં આવે તો લોકોને આર્થિક અને માનસિક મુશ્કેલીઓ દૂર થાય તેમ છે માટે આવા સેન્ટરો તાત્કાલિક શરૂ કરવામાં આવે તે જરૂરી છે.
આ પણ વાંચો : કોરોનાના દર્દીઓને ખેડૂતો અને સંઘ પરિવારે 600 કિલો ફ્રુટનું કર્યું વિતરણ
કોવિડ કેર સેન્ટર ખાતે તમામ સુવિધાઓ આપવામાં આવે
આ ઉપરાંત કોવિડ કેર સેન્ટર ખાતે ચકાસણી કીટો વધારવામાં આવે તથા 24કલાક મેડીકલ ઓફિસર અને સ્ટાફ તૈનાત કરવામાં આવે તથા ઓછામાં ઓછા 25 ઓક્સિજન સિલિન્ડર આપવામાં આવે અને પૂરતો મેડિકલ જથ્થો પણ પહોંચાડવામાં આવે. આ ઉપરાંત ખાવડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવીડ ચકાસણી સેન્ટર પણ શરૂ કરવામાં આવે એવી રજૂઆત પણ કરવામાં આવી હતી.
રસીકરણની પ્રક્રિયા ઓફ્લાઈન કરવા કરાઈ માંગ
કોંગ્રેસના આગેવાનો દ્વારા રસીકરણની પ્રક્રિયાને ઓનલાઇન ચાલુ કરવામાં આવી છે પરંતુ ગામડાના લોકોને ઓનલાઇન પ્રક્રિયામાં વધારે ખબર પડતી નથી માટે ઓનલાઈનની જગ્યાએ ઓફ્લાઈન પણ ચાલુ કરવામાં આવે જેથી વધુમાં વધુ લોકો તેનો લાભ લઈ શકે.