કચ્છ : સંભવિત બિપરજોય વાવાઝોડાને લઈને કંડલા પોર્ટ ખાલી કરાવવામાં આવ્યું છે જેમાં મોટાભાગના માછીમારો બોટ લાંગરીને પોતાના વતન પરત ફરી ચૂક્યા છે. જ્યારે રહી ગયેલા લોકોને આજ સાંજ સુધીમાં પોતાના વતન સુરક્ષિત સ્થળાંતરિત કરી લેવાશે. તો અન્ય લોકોને કંડલા ખાતે શેલ્ટર હોમમાં સહારો આપવામાં આવી રહ્યો છે.

કંડલા બંદર પર 9 નંબરનું સિગ્નલ : બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરને પગલે કંડલા બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે. વાવાઝોડાએ ગુજરાત તરફ દિશા બદલ્યા પછી કચ્છ અને સૌરાષ્ટ્ર દરિયાકાંઠે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કંડલા બંદર પર નવ નંબરનું સિગ્નલ અતિભય સૂચવે છે. સેટેલાઇટથી મળતી ઇમેજીસમાં વાવાઝોડાના રસ્તામાં કચ્છ જિલ્લો છે ત્યારે તેના દરિયા કાંઠા પરના મુન્દ્રા અને માંડવી બંદર પર પણ 9 નંબરના સિગ્નલ લગાડવામાં આવ્યાં છે અને લોકોને સાવચેત કરવામાં આવ્યાં છે.
કંડલા બંદર પર વાવાઝોડું ટકરાવવાના આસાર વચ્ચે કંડલા પોર્ટના દરિયાકાંઠા વિસ્તારમાં નીચાણના ભાગે માછીમારી કરતાં લોકોને વિસ્તારમાંથી અન્યત્ર સ્થળાંતરિત કરવાની કામગીરી ચાલુ છે. લોકોને બસો દ્વારા સ્થળાંતરિત કરવામાં આવી રહ્યાં છે. 700 લોકોને અહીંથીથી બહાર કાઢી લેવાયાં છે અને બાકી છે તેઓને પણ આજે સાંજ સુધીમાં શેલ્ટર હોમમાં પહોંચાડી દેવામાં આવશે...હીનાબેન હુંબલ(કંડલા મરીન પોલીસ પીઆઈ)
સુરક્ષિત જગ્યા ઉપર આશ્રય મેળવવા સૂચનો અને મદદ : અરબી સમુદ્રમાંથી ઉદભવીને આવી રહેલું બિપરજોય વાવાઝોડાંનાં પગલે પ્રથમ દરીયા કિનારા પર મરીન પોલીસ પેટ્રોલિંગ કરી કાંઠે પડેલ બોટને સુરક્ષિત રીતે લંગારવા સૂચના આપી દેવામાં આવી છે. આ સાથે કંડલા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોને સ્થળાંતર કરાવવા માટે બેઠક પણ કરવામાં આવી હતી.
સ્થાનિકો સાથે તંત્રની બેઠકમાં ચર્ચા : જે બેઠકમાં માછીમારો, તેમનાં આગેવાનો તથા ખલાસી તેમજ અગરીયાંઓ મત્સ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત સાથે મળી બેઠક યોજવામાં આવી હતી. વાવાઝો઼ડાની ગંભીરતા વિશે સમજાવીને લોકોને બોટમાં ન રહેવા માટે તથા સુરક્ષિત જગ્યા ઉપર આશ્રય મેળવવા જરુર હોવાની ચર્ચા કરવામાં આવી હતી.
સ્થળાંતર કરાવવાની કામગીરી : કંડલા બંદરનો નીચાણવાળો દરિયાઇ વિસ્તાર ખાલી કરાવવા તેમજ વાવાંઝોડાંના સમયમાં કઇ કઇ તકેદારી રાખવી તે વિશે પણ લોકોને માહિતી આપવામાં આવી હતી. વાવાઝોડા દરમિયાન તકેદારી રાખવા છતાં કોઈ પણ મદદની જરૂર પડે તો પોલીસનો સંપર્ક સાધવા તથા મદદ મેળવવા સમજણ આપવામાં આવી હતી. સાવચેતીના ભાગરુપે ત્રણેક દિવસથી લોકોને ચેતવવામાં આવી રહ્યાં હોવાથી મોટાંભાગનાં માછીમારો પોતાનાં મૂળ વતન સ્થળાંતર કરી ગયા છે તેમ છતાં બાકીનાં લોકોને બસ દ્વારા સ્થળાંતર કરાવવાની કામગીરી ચાલુમાં છે.