કચ્છ : સંભવિત ચક્રવાત બિપરજોય કચ્છમાં લેન્ડ ફોલ થશે જે અંતર્ગત આજે ભુજ કલેકટર કચેરી ખાતે વાવાઝોડાને લઈને બેઠકનો દોર શરૂ થયો હતો. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, કચ્છ પ્રભારી પ્રફુલ પાનસેરીયા, કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલ, સાંસદ વિનોદ ચાવડાએ સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્ય સચિવ સાથે વિડિયો કોન્ફરન્સ પણ યોજાઈ હતી. જેમાં વાવાઝોડાની પૂર્વ તૈયારીઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
કચ્છના દરિયાઈ વિસ્તારના 0થી 5 કિલોમીટરમાં આવતા 72 ગામડાઓ, 0થી 10 કિલોમીટરના 120 ગામના લોકો અને પશુઓને ખસેડવામાં આવી રહ્યા છે તો 0થી 5 કિલોમીટરની અંદર 100 ટકા સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો લોકોને સ્થળાંતરિત કરીને શેલ્ટર હોમમાં આશ્રય આપવામાં આવ્યો છે. તો જરૂર જણાતા અન્ય શેલ્ટર હોમ પણ તૈયાર કરવામાં આવ્યા છે. - મનસુખ માંડવીયા (કેન્દ્રીય પ્રધાન)
8000 જેટલા લોકોનું સ્થળાંતર થઈ ચૂક્યું છે : શેલ્ટર હોમ પર જમવાની, રહેવાની, મિલ્ક, મિલ્ક પાવડર, ફૂડ પેકેટ વગેરેની પ્લાનિંગ સાથે તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો સાયકલોન કચ્છની ધરતી પર ટકરાય ત્યારે ઓછામાં ઓછી નુકસાની થાય તેવી કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 8000 જેટલા લોકોનું સ્થળાંતર થઈ ચૂક્યું છે, જ્યારે બાકીના લોકોનું આજના દિવસે સ્થળાંતર કરવામાં આવશે. 1.5થી 2 લાખ પશુઓને બચાવવા માટે સ્પેશિયલ ડિઝાસ્ટરની કામગીરી મુજબ ઊંચાઈ વાળા વિસ્તારમાં પશુઓને ખસેડવામાં આવી રહ્યું છે."
ઓછામાં ઓછી નુકસાની માટેની તૈયારીઓ : ઉપરાંત હાલમાં તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત મોનીટરીંગ અને પેટ્રોલિંગ ચાલુ જ છે. તો સંભવિત વાવાઝોડું 15 તારીખે જખૌ કરાંચીની વચ્ચે લેન્ડ ફોલ થશે હાલમાં જાણવા મળી રહ્યું છે. તો ગમે તે આપતિના સમયે તમામ સ્ટેટ અને નેશનલ સ્તરની બચાવ કામગીરી માટેની તેમજ કેન્દ્રીય એજન્સીઓ એક સાથે જ હોય છે અને જેમ બની શકે તેમ ઓછામાં ઓછી નુકસાનીનું પ્રયત્ન કરવામાં આવતું હોય છે."
વિવિધ વિભાગના અધિકારીઓ ખડેપગે : કચ્છનું વહીવટીતંત્ર બિપરજોય વાવાઝોડાના પગલે સજ્જ બન્યું છે, તો કાંઠા વિસ્તારના લોકોના જાન-માલની સલામતી માટે તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ પણ ખડેપગે કામગીરી કરી રહ્યા છે. ખાસ કરીને દરીયાના કાંઠા વિસ્તારના ગામો જખૌ, કંડલાના વિવિધ વિસ્તારમાં કોઈ નુકસાની ન થાય તે લોકોને સલામત સ્થળે ખસી જવા માટે પોલીસતંત્ર અને વહીવટીતંત્ર દ્વારા છેલ્લા ત્રણ દિવસથી લોકોને સતત માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરીને સમજાવવામાં આવી રહ્યું છે. બાકીના જે લોકો છે તેમને આજ સાંજ સુધીમાં શેલ્ટર હોમમાં ખસેડી દેવામાં આવશે.