કચ્છ: સંભવિત વાવાઝોડા બિપરજોયને લઈને કચ્છનું વહીવટી તંત્ર કચ્છના દરિયાઈ વિસ્તારના લોકોનું સ્થળાંતર કરી રહ્યું છે. અબડાસા તાલુકાના દરિયા નજીકના ગામો ખાલી કરાવવા તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે. નલિયા નજીકનુ છછી ગામ તંત્ર દ્રારા ખાલી કરાવવા માટે મથામણ કરવી પડી હતી. ગઇકાલે રાતથી પશુઓ છોડી ગ્રામજનો જવા માટે તૈયાર ન હતું.
યોગ્ય વ્યવસ્થા કરવાની માગ: ગામના રહેવાસી હરિસિંહ રાઠોડ જણાવે છે કે અમે લોકો સ્થળાંતરણ કરવા માટે તૈયાર છે પરંતુ અમારા માલ-સમાનને ક્યાં મુકીશું? તેની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. અહિયાંથી સ્થળાંતરણ કરીને જઇયે તો ત્યાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તંત્રને અપીલ છે કે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તો અમે જવા તૈયાર છે.
'અહીંયા અમારા પશુઓ છે તેને મૂકીને કેવી રીતે જઇયે. ગામમાં લગભગ 800થી 900 લોકો વસવાટ કરે છે અને લગભગ દરેકના ઘરે પશુઓ છે. તંત્ર દ્વારા આ પશુઓને પણ સલામત રાખવાની વ્યવસ્થા કરે તો સ્થળાંતરણ કરવા તૈયાર છીએ.' -લાલજી મહેશ્વરી, ગામના રહેવાસી
250 લોકોનું સ્થળાંતર: તાલુકા વિકાસ અધિકારી સહિત પોલીસની ટીમ છછી પહોચી છે. બસો મારફતે આખુ ગામ ખાલી કરાવવા માટે તંત્રએ વ્યવસ્થા કરી છે. છછી ગામની 1000ની વસ્તી છે ત્યારે 1200થી વધુ પશુઓની સંખ્યા છે. ગામનો મુખ્ય વ્યવસાય પશુપાલનનો છે પરંતુ ગામ દરિયા કિનારાથી 0 થી 2 કિલોમીટરની અંદર આવતું હોવાથી સલામતીના ભાગરૂપે ગામ ખાલી કરાવવા તંત્ર દ્વારા સમજાવવામાં આવ્યું હતું પરંતુ લોકો માની રહ્યા ન હતા. ભારે મથામણ બાદ અને તંત્રની સમજાવટ બાદ ગ્રામજનોને સ્થળાતંરનુ કામ શરૂ કરાયુ છે. હાલમાં 250 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને છછી ગામ નજીક લઠેડી ગામે સેલ્ટર હોમમા તમામ લોકોની વ્યવસ્થા કરાઇ છે.