અમદાવાદ/કચ્છઃ વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્ર-કચ્છના અનેક જિલ્લાઓમાં શુક્રવારે પણ વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને પગલે સરકારી, ગ્રાન્ટેડ અન નોન ગ્રાન્ટેડ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. જ્યારે તમામ શાળાઓના આચાર્યોને પોતાની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. જ્યારે શાળાના સ્ટાફે ફરજિયાત સ્કૂલમાં હાજરી આપવી પડશે. શેલ્ટર હોમ સંબંધીત કામગીરીમાં સહકાર દેવાનો રહેશે. જ્યારે અસરગ્રસ્ત વિસ્તારમાં વહીવટી તંત્રએ સૂચવેલી કામગીરી કરવાની રહેશે. ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તરફથી એક પરિપત્ર જિલ્લાઓની સ્કૂલ માટે જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સ્કૂલ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લાઓમાં આવેલી સ્કૂલ પણ બંધ રહેશે.
આણંદમાં સ્કૂલ બંધઃ બિપરજોય વાવાઝોડાની સામે બાળકોની સુરક્ષાને ધ્યાને લેતા સ્કૂલ બંધ રાખવા આદેશ કરાયો છે. કોઈ જોખમ ઊભું ન થાય એ માટે નિર્ણય લેવાયો છે. આણંદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તરફથી પરિપત્ર જાહેર કરીને સ્કૂલ બંધ રાખવા સૂચના દેવાઈ છે. આ ઉપરાંત ભારે વરસાદને કારણે સ્કૂલની આસપાસ કોઈ મકાન ધરાશાયી થાય તો નજીકની સ્કૂલમાં શેલ્ટર હોમ ઊભું કરીને લોકોને આશ્રય દેવાની પણ સૂચના અપાઈ છે. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી કોઈ શૈક્ષણિક પ્રવૃતિ શરૂ ન કરવા પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. જીટીયુ તરફથી તારીખ 16-17ના રોજ યોજાનારી પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. ડીફાર્મ સેમ.2, ફાર્મા ડી. 5 અને 3, MSCIT ઈન્ટિગ્રેટેડ, માસ્ટર ઓફ આર્કિટેક્ટ 4 અને 3 ફાર્મસી સેમ 8-6, MBA સેમ 4-3, BBA સેમ 2-1 સહિતની પરીક્ષાની 15 જુનથી શરૂ થવાની હતી. વાવાઝોડાને પગલે યુનિવર્સિટી તરફથી અગાઉ રાજકોટ અને કચ્છની કૉલેજમાં બંધની જાહેરાત કરાઈ હતી.
આ જિલ્લાઓમાં શાળાઓ બંધઃ આણંદ, અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, ગીરસોમનાથ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, નવસારી,જામનગરની સ્કૂલ બંધ રાખવા માટે આદેશ દેવામાં આવ્યા છે. જ્યારે ભારે પવનને કારણે સાવચેતીના ભાગરૂપે સૌરાષ્ટ્ર કચ્છની માર્કેટમાં પણ બિપરજોયની અસર જોવા મળી હતી. ધંધા અને રોજીરોટીના સાધન બંધ રહેતા દૈનિક આવકને પણ ફટકો પડ્યો હતો. મીડિયા રીપોર્ટ અનુસાર ગુજરાતના ઉદ્યોગમાં અંદાજીત 5000 કરોડના વ્યવહારને અસર થશે. આગમચેતીના ભાગરૂપે ઉદ્યોગ બંધ રાખવામાં આવ્યા હતા. કચ્છમાંમાં મેજર પોર્ટ કંડલા તથા મુંદ્રા છેલ્લા ચાર દિવસથી બંધ છે. કંડલામાં દરરોજ 15-20 લિક્વિડ કાર્ગો શીપ આવતા હોય છે. પોર્ટ બંધ હોવાને કારણે ટ્રાંસપોર્ટ સર્વિસ પણ બંધ છે. જેના કારણે ટ્રાંસપોર્ટ સંબંધીત ઉદ્યોગને ફટકો પડ્યો છે. આ વિસ્તારમા દૈનિક રૂપિયા 300થી 250 કરોડના વ્યવહાર અટક્યા છે.
ફિશિંગમાં ફટકોઃ ચોમાસું નજીક આવે એટલે ફિશિંગ ઉદ્યોગમાં કોલ્ડ સ્ટેજમાં માછલીઓ રાખવી પડે છે. વાવાઝોડાને કારણે પાવરકટ થાય છે. જેના કારણ માલ બગડી જાય છે. આવી સ્થિતિમાં હોસ્પિટલ, આશ્રય સ્થા તથા અન્ય ઉપયોગી સેન્ટરને વીજ પુરવઠો આપ્યા બાદ વેરાવળના કોલ્ડ સ્ટોરેજ ઉદ્યોગને પાવર પ્રાયોરિટી ધોરણે ચાલું કરી આપવા માટે અમે સરકારને અપીલ કરી છે. એવું ફિશિગ એસો.ના અગેવાને જણાવ્યું હતું.