કચ્છ: સંભવિત બિપરજોય વાવાઝોડાના પગલે કચ્છનું વહીવટીતંત્ર એલર્ટ છે. દરિયાના કાંઠા વિસ્તારના ગામોમાં જાન-માલની ખુંવારી ન થાય તે માટે લોકોને સલામત સ્થળે ખસી જવા માટે પોલીસતંત્ર તથા વહીવટીતંત્ર દ્વારા છેલ્લા બે દિવસથી લોકોને સતત સમજૂતી સાથે માઇક દ્વારા એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવી રહ્યી છે તો અનેક લોકો પોતાની રીતે પોતાના મૂળ વતન પહોંચ્યા છે. જયારે બાકીના લોકોને તંત્ર દ્વારા શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી: કંડલા પોર્ટ દ્વારા અંજાર,ભચાઉ અને ગાંધીધામ તાલુકાના કાંઠા વિસ્તારના લોકોને બસ મારફતે મૂળ વતન મોકલવાની તથા અન્યોને શેલ્ટર હોમ ખસેડવાની કામગીરી વહીવટીતંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. કંડલાના મરીન પોલીસ સ્ટેશનનાના પીઆઈ હીનાબેન હુંબલે જણાવ્યું હતું કે, ખારી રોહર, મીઠી રોહર, નાની ચીરઇ, તૂણા, વંડી, ભારાપર, કીડાણા, કંડલાપોર્ટ વિસ્તારમાં રહેતા માછીમારો,અગરીયા સહિતના લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે.
5000 લોકોને શેલ્ટર હોમમાં ખસેડાયા: કંડલા પોર્ટ વિસ્તારમાં રહેતા જે લોકોના પોતાના પાકા મકાન છે તેવા લોકોને બસ દ્વારા મૂળ વતન મોકલવામાં આવી રહ્યા છે. અંદાજીત 1000 લોકોને બસ દ્વારા મૂળ નિવાસ્થાને મોકલવામાં આવી રહ્યું છે. જયારે 2000 જેટલા લોકોએ સમજાવટ તથા માઇક દ્વારા કરાયેલા એનાઉન્સમેન્ટ થકી સ્વેચ્છાએ જ પોતાના વતન ચાલ્યા ગયા છે. જયારે બાકીના આશરે 5000 લોકોને સરકાર દ્વારા શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી શરૂ કરાઇ છે.
શેલ્ટર હોમમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ: વહીવટી તંત્રે સામાજિક સંસ્થાઓને સાથે રાખીને શેલ્ટર હોમમાં વીજળી, પાણી, ખાવા પીવાની વ્યવસ્થા તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આરોગ્ય અધિકારીની પણ અહીઁ નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત નાના બાળકો માટે મિલ્ક પાઉડર તથા અન્ય જરૂરી સામગ્રીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાના પગલે જાન-માલનું કોઇપણ પ્રકારનું નુકશાન ન થાય તે માટે તંત્ર દ્વારા સતત કામગીરી કરાઇ રહી છે અને અફવાઓથી દુર રહેવા માટે અનુરોધ કરવામાં આવ્યું છે.
- Cyclone Biparjoy: સુરતના દરિયા કિનારે ફુંકાયો ભારે પવન, 108ની ટીમ પણ એલર્ટ મોડમાં, અધિકારીઓને હેડકવૉટર ન છોડવા સુચના અપાઈ
- Cyclone Biparjoy Update: જામનગર જિલ્લામાં બિપરજોયની અસર જોવા મળી, વાતાવરણમાં આવ્યો પલટો
- Cyclone Biparjoy : ગુજરાતમાં જોવા મળશે બિપરજોયની અસર, 150 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન અને રાજ્યમાં વરસાદી માહોલ થશે : અંબાલાલ પટેલ