કચ્છ: ગઇકાલે બકરી ઇદની પૂરા દેશમાં ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ કચ્છના મુન્દ્રાની ખાનગી શાળામાં ઉજવવામાં આવેલ બકરી ઇદનો તહેવાર વિવાદમાં આવ્યો છે. કચ્છમાં એક ખાનગી શાળામાં હિન્દુ વિદ્યાર્થીઓને નમાઝ પઢતા શીખવાડાતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હિન્દુ સમાજની લાગણી દુભાતાં શાળાની માન્યતા રદ્દ કરવાની માંગણી હિન્દુ સમાજના સંગઠનો દ્વારા કરવામાં આવી છે.
વીડિયો વાયરલ થતા સર્જાયો વિવાદ: સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ આ વીડિયો કચ્છમાં આવેલી મુન્દ્રાની ખાનગી શાળા પર્લ સ્કૂલ ઓફ એક્સિલેન્સનો છે. જ્યાં 28મી જૂને બકરી ઈદના તહેવારની ઉજવણી દરમિયાન શાળામાં હિન્દુ વિદ્યાર્થીઓને મુસ્લિમ વિધાર્થીઓની સાથે નમાઝ પઢતા શીખવાડવામાં આવી રહી છે. શાળા દ્વારા કરવામાં આવેલ આવા કૃત્ય બાદ ભારે વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીઓના વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો હતો. હિન્દુ સમાજના તેમજ હિન્દુ યુવા સંગઠનના લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
શાળાના આચાર્ય સસ્પેન્ડ: ઉલ્લેખનીય છે કે વાયરલ થઈ રહેલા વીડિયોમાં પર્લ સ્કૂલ ઓફ એક્સિલેન્સના ધોરણ 5ના વિધાર્થીઓ પાસે આ રીતે પરફોર્મન્સ કરાવવામાં આવ્યું હતું. જેનો વિરોધ નોંધાવીને હિન્દુ યુવા સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવા તેમજ શાળાની માન્યતા રદ્દ કરવાની માંગણી કરવામાં આવી હતી. જે અંતર્ગત હાલમાં શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
" બાળકો તેમજ વાલીઓને ઉજવણી અંગેની માહિતી ફોન મારફતે જાણ કરવામાં આવી હતી.આ વીડિયોની તેમજ હકીકતની તપાસ કરવામાં આવી રહી છે તો વાલીઓ અને બાળકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.જો શાળાની બેદરકારી સામે આવશે તો શાળાની માન્યતા રદ્દ કરવામાં આવશે." - ઉમેશ ઉગાણી, મુન્દ્રા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી
"મુન્દ્રાની શાળા દ્વારા કરવામાં આવેલ આ કૃત્ય યોગ્ય નથી બાળકોને નમાજ પઢાવવાની પ્રવૃત્તિ ઉચિત નથી. સરકાર આ માટે યોગ્ય પગલાં લે. કારણકે આજકાલ હિન્દુના બાળકોને પણ જેહાદીઓ દ્વારા ટારગેટ કરવામાં આવી રહ્યું છે અને બાળકોને ગેમ મારફતે ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે તેવી રીતે શિક્ષણ મારફતે હિન્દુ બાળકોના ધર્મ પરિવર્તન માટે ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે માટે અને કાર્યવાહીના ભાગરૂપે શાળાની માન્યતા રદ્દ કરવામાં આવે." - રઘુવીરસિંહ જાડેજા, રાષ્ટ્રીય હિન્દુ યુવા સંગઠનના અધ્યક્ષ
" શાળામાં કરવામાં આવેલ કાર્યક્રમથી અમારી તેમજ હિન્દુ સમાજની લાગણી દુભાઈ હતી. હિન્દુ યુવા સંગઠન તેમજ હિન્દુ સમાજના કાર્યકર્તાઓ સાથે અમે વાલીઓ શાળામાં આવીને ટ્રસ્ટી અને સંચાલકો સમક્ષ આવેદનપત્ર આપીને નારાજગી દર્શાવી હતી. શાળા દ્વારા માફી માંગવામાં આવી છે અને હવેથી આવી કોઈ પ્રવૃત્તિ નહીં કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે." - આનંદ વ્યાસ, વાલી
આચાર્યએ માંગી માફી: પર્લ સ્કૂલ ઓફ એકસિલેન્સના આચાર્ય પ્રીતિ વાસવાણીએ ખુલાસો આપતા જણાવ્યું હતું કે શાળામાં કરવામાં આવેલ પ્રવૃત્તિના વીડિયોથી વાલીઓની લાગણી દુભાઈ છે એની અને માફી માગીએ છીએ.તહેવારને અનુલક્ષીને ઉજવણી કરવામાં આવી હતી કોઈ પણ ધર્મ કે સમાજની લાગણી દુભાવવાનો હેતુ ના હતો પરંતુ હવેથી આવી કોઈ પણ પ્રકારની પ્રવુતિ શાળામાં કરાવવામાં નહીં આવે તેવું જણાવ્યું હતું.