ભૂજઃ રાજ્યસભાની ચૂંટણી સમયે જ રાજયની વિધાસનસભા નંબર એક કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ભાજપની ફેવરમાં કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દેતાં કચ્છ કોંગ્રેસના કાર્યકરો-હોદ્દેદારોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. આજે નલિયા ખાતે એકત્ર થયેલા કોંગ્રેસીઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે તેમના આ પગલાને ગદ્દારી ગણાવીને આગામી ચૂંટણીઓમાં અબડાસાની પ્રજા તેમને જવાબ આપશે તેવો સુર વ્યકત કર્યો હતો.
નલિયામાં કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે. હુંબલ અને સદસ્યો કિશોરસિંહ જાડેજા, હાજી તકીશા સૈયદ ઈકબાલ મંઘરની હાજરીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અબડાસાના ગદ્દાર પ્રદ્યુમનસિંહ હાય.. હાય’ તેવા સૂત્રોચ્ચાર સાથે નલિયામાં કોંગ્રેસી નેતાઓ-કાર્યકરોએ રેલીસ્વરૂપે ઘુમીને વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસે પ્રદ્યુમનસિંહના પૂતળાદહનનું પણ આયોજન કરેલું પરંતુ પોલીસે પૂતળું કબ્જે કરી લીધું હતું.
વિરોધ પ્રદર્શન સાથે જિલ્લા પંચાયતના સભ્ય અને ક્ષત્રિય આગેવાન કિશોરસિંહ જાડેજાએ પ્રદ્યુમનસિંહના પગલાંની આકરી ટીકા કરી આક્ષેપ કર્યો છે કે, પ્રદ્યુમનસિંહે ગદ્દારી કરીને અમારા જાડેજાઓ-વડીલોના સુવર્ણ ઇતિહાસને કલંકિત કર્યો છે. આ સાથે જ તેમણે કહ્યું કે, અબડાસાની જનતા અને સમાજ પ્રદ્યુમનસિંહને કદી માફ નહીં કરે, અને તનો જવાબ આગામી ચૂંટણીમાં જોવા મળશે.