ભુજઃ કોરોના વાઈરસના કહેરને કારણે સરકાર દ્વારા આપવામાં આવેલા લોકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. સરકાર દ્વારા ચોથા તબક્કામાં ઘણી છૂટછાટ પણ લોકોને આપવામાં આવી છે. પરંતુ આ છૂટછાટ વચ્ચે પણ સૌથી વધુ પરેશાની સ્ટેશનરીના વેપારીઓને થઈ રહી છે.
શહેરના સ્ટેશનરીના વેપારી રાજન મહેતાએ જણાવ્યું હતું કે, હજુ સુધી શાળા કોલેજ શરૂ થઈ નથી. જેને કારણે શાળામાં અભ્યાસ કાર્ય બંધ હોવાથી શાળાના પુસ્તકો સહિતની સ્ટેશનરીનું વેચાણ બંધ છે. પરિણામે સ્ટેશનરીના વેપારીઓને માત્ર દુકાન ખુલ્લી રાખીને જ સંતોષ માનવો પડે તેવી સ્થિતિ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કેટલીક ઇન્સ્ટિટયૂટ દ્વારા ઓનલાઇન અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. સાથે વિવિધ સંસ્થાઓ સહિતની ખાનગી કચેરીઓની સ્ટેશનરીના વેચાણમાં પણ ઘટાડો નોંધાયો છે.
ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઓનલાઇન અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે, જેને કારણે ક્યારેક-ક્યારેક ગ્રાહક દેખા દે છે. લોકડાઉન વચ્ચે માત્ર 10 ટકા જેટલો જ વેપાર થઇ રહ્યો છે.
સામાન્ય રીતે જૂન માસમાં શાળા કોલેજ ખૂલી જવાથી એપ્રિલ-મે માસમાં સારા એવા પ્રમાણમાં સ્ટેશનરી ખરીદી થતી હોય છે. વેપારીઓને શ્વાસ લેવાનો પણ સમય મળતો ન હોય, પરંતુ લોકડાઉનને કારણે બંધ રહેલી શાળા-કોલેજને પગલે સિઝન બાદ પણ વેપારીઓને નવરા બેસવાનો વારો આવ્યો છે.