કચ્છમાં દુષ્કાળ બાદ વધુ વરસાદ અને કમોસમી વરસાદ ખેતીને ભારે નુકસાની પહોંચાડી છે. થોડા દિવસને અંતરે આવી રહેલા વરસાદની કચ્છમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. આ વચ્ચે કચ્છમાં ગુરૂવારે જાણે કે, કાશ્મીર હોય તે રીતે અનેક વિસ્તારમાં કરાનો વરસાદ અને બરફનો વરસાદ થયો હતો. આ વરસાદ સાથે શુક્રવારે તેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં યાયાવર પક્ષીઓના મૃતદેહ દેખાઇ રહ્યા છે.
ભચાઉના બાનિયારી ગામના સીમ વિસ્તારમાં આવેલા એક ખેતરમાં અનેક કુંજ પક્ષીઓ ઘવાયેલી હાલતમાં જોવા મળ્યા હતાં. ગુરૂવારે વરસેલા હિમવર્ષાને કારણે આ પક્ષીઓની હાલત કફોડી બની છે. ઘાયલ થયેલા કુંજ પક્ષીઓનો વીડિયો પણ વાઇરલ થયો હતો. જેમાં અનેક પક્ષીઓ તરફડીયા મારતા નજરે પડ્યા હતાં. બરફના ગાંગડા વાગતા કેટલાક કુંજ પક્ષીઓને લોહી પણ નીકળતું જોવા મળ્યું હતું. આ બનાવને પગલે પક્ષી પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ અરેરાટી વ્યાપી છે.
આ અંગે પૂર્વ કચ્છના DFO પ્રવિણસિંહ વિહોલે ઇટીવી ભારત સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વીડિયો સામે આવ્યા બાદ તપાસ હાથ ધરાઇ હતી. જેમાં બાનીયારીના એક ખેતરમાંથી કુંજ કુળના કરકરા નામના વિદેશી પક્ષીઓના 56 જેટલા મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે 17 ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર માટે ભચાઉ લઇ જવામાં આવ્યા છે. આ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ વિવિધ ટીમોને તપાસ માટે મોકલાઇ છે.