રાજસ્થાનના રણની રેતીની ધૂળ કચ્છ સહિતના જિલ્લાઓમાં છવાઈ ગઈ છે. રાજસ્થાનની દિશામાંથી કચ્છમાં 20 કિલોમીટરની ગતિએ વાયરો ફૂંકાઈ રહ્યો છે. વહેલી સવારથી જ ઠેર ઠેર ધૂળની ડમરીઓ ઉઠી રહી છે. કચ્છમાં અબડાસાથી લઈ આડેસર સુધી આંધી જેવું વાતાવરણ છવાઇ ગયું છે. જોકે આ બદલાવથી 41 થી 42 ડીગ્રી સેલ્સિયસની કાળઝાળ ગરમીથી કચ્છીમાડુઓને રાહત મળી છે.
ભુજની હવામાન કચેરીના પ્રભારી રાકેશકુમારે જણાવ્યું હતું કે, આવતીકાલ સુધી ધૂળની ડમરીઓ યથાવત રહેશે.અલબત્ત, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ક્યાંક ક્યાંક છૂટાછવાયા વરસાદી છાંટા પડી શકે છે.