- ચાલુ વર્ષે ચોમાસામાં મેલેરિયાના કેસો વધ્યા
- જિલ્લામાં ચાલુ વર્ષે મેલેરિયાના 177 તથા ડેન્ગ્યુના 8 કેસો નોંધાયા
- આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો અટકાવવા કામગીરી પણ હાથ ધરાઇ
કચ્છ: જિલ્લામાં એક તરફ ચોમાસુ શરૂ છે તથા બીજી બાજુ કોરોનાકાળ પણ ચાલી રહ્યો છે, ત્યારે હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. કચ્છ જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ મેલેરિયાના કેસો વધ્યા છે. આ વખતે કચ્છ જિલ્લામાં સદભાગ્યે ચિકનગુનિયાનાનો એક પણ કેસ જોવા મળ્યો નથી. જ્યારે ગત વર્ષની સરખામણીએ ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જિલ્લાનું આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે અને શહેરના વિવિધ વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે તથા રોગચાળો અટકાવવા કામગીરી પણ હાથ ધરાઇ છે.
કુલ મેલેરિયાના કુલ 167 કેસ નોંધાયા
કચ્છ જિલ્લામાં વર્ષ 2020ની સરખામણીએ વર્ષ 2021માં મેલેરિયાના કેસમાં 6 ટકા જેટલો વધારો થયો હતો. ગત વર્ષે કચ્છ જિલ્લામાં ઓગસ્ટ મહિના સુધીની વાત કરવામાં આવે તો કુલ મેલેરિયાના કુલ 167 કેસ નોંધાયા હતા. જ્યારે ચાલુ વર્ષે ઓગસ્ટ મહિના સુધી 177 કેસ નોંધાઇ ચૂક્યા છે. ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં જ સૌથી વધારે એટલે કે, 83 જેટલા મેલેરિયાના કેસ નોંધાયા હતા. આમ આ વખતે આ ચોમાસાની સીઝનમાં વાહક જન્ય રોગના કેસમાં વધારો થયો છે એમ કહી શકાય.
ચાલુ વર્ષે ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર ઘટાડો
આ ઉપરાંત ચાલુ વર્ષે ડેન્ગ્યુના 8 કેસ નોંધાયા છે જ્યારે ગત વર્ષે 31 કેસો નોંધાયા હતા માટે કહી શકાય કે ચાલુ વર્ષે જિલ્લામાં ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં ડેન્ગ્યુના 4 કેસો નોંધાયા હતા જ્યારે ગત મહિને એટલે કે ઓગસ્ટમાં 2 કેસો નોંધાયા હતા.
સદભાગ્યે ચિકનગુનિયાના એક પણ કેસ નહીં
ગત વર્ષે જિલ્લામાં ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા હતા. જ્યારે ચાલુ વર્ષે જિલ્લામાં સદભાગ્યે એક પણ ચિકનગુનિયાનો કેસ નોંધાયો નથી. છતાં પણ આવનારા સમયમાં કોઈ કેસના નોંધાયએ માટે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી હતી.
મચ્છરજન્ય રોગચાળાથી બચવા અંગેના પગલાં
વરસાદના સમયે નાની નાની બાબતોમાં રખાતી કાળજી આપણને મચ્છરજન્ય રોગચાળાથી બચાવે છે. લોકોએ ઘરની આસપાસ પાણીના ખાબોચિયા ન ભરાય, ઘરમાં પણ પાત્રોમાં પાણીનો વધુ સમય સુધી સંગ્રહ ન થાય તેની કાળજી રાખવી જોઈએ, મચ્છરની ઉતપતિ ન થવા દેવી, વરસાદી પાણીનો નિકાલ કરવા સહિતની કામગીરી કરવામાં આવે તો ચોક્કસપણે મચ્છર જન્ય રોગોથી બચી શકાય.
રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગની વેક્ટર કંટ્રોલ ટીમ કાર્યરત: ડૉ.જનકકુમાર માઢક
ગત વર્ષની સરખામણીએ મેલેરિયાના 10 કેસ બધ્યવચે જ્યારે ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર ઘટડો થયો છે. જ્યારે ચિકનગુનિયાના એક પણ કેસ જિલ્લામાં નોંધાયા નથી. મેલેરિયાના કેસ અર્બન વિસ્તારમાં વધી રહ્યા છે. આ માટે આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં જુદા-જુદા સ્થળોએ સર્વેલન્સ અને જાગૃતિની કામગીરી પણ કરવામાં આવી રહી છે તથા 27 જગ્યાએ આરોગ્ય વિભાગની વેક્ટર કંટ્રોલ ટીમ કામ કરી રહી છે તથા ગત વર્ષે જ્યાં કેસ વધુ જોવા મળ્યા હતા. તેવા વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જનતાને અપીલ છે કે ઘરમાં સ્વચ્છતા રાખે તથા પોતાના ઘર કે ઓફિસની આસપાસ પાણી ભરાતું હોય તે જગ્યાએથી પાણી દૂર કરવું જોઈએ જેના કારણે મચ્છરોની ઉત્પત્તિ અટકે.