- 10 કરોડ લિટર ક્ષમતાના ડિ-સેલિનેશન પ્લાન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે
- વર્ષ 2050ને ધ્યાને લઇ પેયજળ માટે કચ્છમાં 1350 કરોડની યોજનાઓ
- કચ્છ જિલ્લામાં પાણી માટેની 31 યોજનાઓ મૂકાઇ
કચ્છ : કચ્છમાં વર્તમાન સ્થિતિએ 25 લાખની વસ્તીને ધ્યાને લઇ પ્રત્યેક વ્યકિતને આગામી 2050 સુધી દૈનિક 100 લિટર પાણી નળ વાટે ઘરમાં મળી શકે તેવું આયોજન પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. રાજ્યમાં પ્રથમ એવો જિલ્લો છે જેમાં પાણીની લાઇનોની સુધારણા કરીને ભવિષ્યનું નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે. આવનારા 30 વર્ષમાં જળનાં માળખાંમાં વિક્ષેપ ન પડે એ માટે રૂપિયા 614 કરોડની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
કચ્છ જિલ્લામાં 475 MLD ની દૈનિક પાણીની જરૂરિયાત છે
કચ્છ જિલ્લામાં પ્રત્યેક વ્યક્તિ, ઢોર, ઔદ્યોગિક તેમજ અન્ય સંસ્થાઓની જરૂરિયાત સાથે ગણતરી કરવામાં આવે તો કુલ 475 MLD ની દૈનિક પાણીની જરૂરિયાત છે, જે પરિપૂર્ણ કરવા માટે માળિયા ખાતેથી નર્મદાનું પાણી તેમજ ટપ્પર ડેમ, સુવઈ ડેમ અને ફતેહગઢ ડેમ કે જે નર્મદા કેનાલ સાથે જોડાયેલા હોઇ તેના દ્વારા કચ્છ જિલ્લાની જરૂરિયાતનું 475 MLD પાણી ઉપલબ્ધ છે અને બલ્ક લાઇન દ્વારા જુદા જુદા હેડવર્ક્સ પર પાણી આપવા માટેની વહન ક્ષમતા પણ પર્યાપ્ત છે તેવું પાણી પુરવઠા બોર્ડના મુખ્ય ઇજનેરએ જણાવ્યું હતું.
10 કરોડ લિટર ક્ષમતાના ડિ-સેલિનેશન પ્લાન્ટ તૈયાર થઇ રહ્યો છે
નળ સે જળ કાર્યક્રમ અંતર્ગત સુચારૂ રૂપે દરેક ગામે પૂરતું પાણી મળી રહે તેમજ દરેક ગામનું નેટવર્ક 100 ટકા ઘર કનેકશનોથી જોડાયેલા હોય તે માટે પૂરતા સોર્સ અને પૂરતું નેટવર્ક હોવું જરૂરી છે. કચ્છ જિલ્લો સંપૂર્ણપણે નર્મદા ઉપર નિર્ભર ન રહે અને સ્થાનિકોને પણ પાણી ઉપલબ્ધ થાય તેવી દૂરદૃષ્ટિને ધ્યાને લઇ માંડવી તાલુકાના ગુંદિયાળી ગામ પાસે 100 MLD એટલે કે, 10 કરોડ લિટર ક્ષમતાના ડિ-સેલિનેશન પ્લાન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે માસ ફેબ્રુઆરી 2023માં કાર્યરત થનાર છે.
વ્યકિતદીઠ 100 લિટર પાણી દરેક ગામને આપવાનું નક્કી કરાયું
કચ્છ જિલ્લાની બલ્ક પાઇપલાઇન માંથી જુદા-જુદા 26 ટેપિંગ પોઇન્ટ મારફતે કુલ્લ 27 જૂથ યોજનાઓને જરૂરિયાત મુજબનું પાણી આપવામાં આવી રહ્યું છે અને આ જૂથ યોજના દ્વારા તેઓના વિતરણ નેટવર્ક મારફતે દરેક ગામે પાણી વિતરણ કરવામાં આવશે. ભૂતકાળમાં આ જૂથ યોજનાઓનું નેટવર્ક પ્રતિ વ્યકિત 70 લિટર પાણી આપવાની ગણતરી સાથે બનાવવામાં આવ્યું હતું, પરંતુ હવે સરકાર દ્વારા નક્કી થયેલા નિયમો મુજબ વ્યકિતદીઠ 100 લિટર પાણી દરેક ગામને આપવાનું થાય છે.
2 વર્ષમાં 7 હજાર કિલોમીટરની પાઇપલાઇન સુધારવામાં આવી
કચ્છ જિલ્લામાં પાણી પુરવઠા બોર્ડના મુખ્ય ઇજનેરના નેજા હેઠળ બે વર્ષમાં માત્ર 30 ટકા સ્ટાફમાં પીવાના પાણીના હયાત માળખામાં મોટો બદલાવ કરી લેવામાં 90 ટકા સફળતા મળી છે. બલ્ક પાઇપલાઇનની 450 કિલોમીટર અને વિતરણ વ્યવસ્થા સાથે જોડાયેલી આંતરિક લાઇનો 6500 કિ.મી. મળી કચ્છમાં કુલ્લ 7 હજાર કિલોમીટરની પાઇપલાઇન સુધારવામાં આવી છે.
કચ્છ જિલ્લામાં પાણી માટેની 31 યોજનાઓ
કચ્છમાં 31 યોજનાનો સમાવેશ થાય છે. જેમાં 874 ગામ અને 2 શહેરોનો સમાવેશ થાય છે. આ 31 યોજનાઓમાંથી એક પૂર્ણ થઇ છે. 5 પ્રગતિ હેઠળ છે. 5 ટેન્ડરની મંજૂરી હેઠળ, 1નું ટેન્ડર મંજૂર થઇ ગયું છે. 6ના ટેન્ડર ઓનલાઇન થઇ ગયા છે. 3 તૈયારીમાં છે જ્યારે 10 ની દરખાસ્ત મંજૂરી હેઠળ છે. આ 31 યોજના પાછળ રૂપિયા 614 કરોડની જંગી ધનરાશિ ફાળવવામાં આવી છે.
દૂરના ગામોમાં નર્મદાનું પીવાનું પાણી પહોંચતું કરાયું
અબડાસા જેવો દૂરનો વિસ્તાર જે હંમેશાં પાણી માટે તરસતો હતો. અબડાસાના 133 ગામો માટે રિમોડલિંગ યોજના પાછળ રૂપિયા 179 કરોડ અને લખપત માટે 86 ગામો માટે 166 કરોડની યોજના પૂર્ણ થઇ જતાં દૂરના ગામોમાં નર્મદાનું પીવાનું પાણી પહોંચતું થઇ ચૂક્યું છે. હવે કેનાલ અને પાઇપલાઇન વાટે નર્મદાનું પાણી કચ્છમાં પહોંચ્યું છે.
બલ્ક લાઇન મારફતે છેવાડાના ગામો સુધી પાણી પહોંચાડવામાં આવ્યું
ટપ્પર ડેમમાંથી પાણી ઉપાડી બલ્ક લાઇન મારફતે ભુજ અને માંડવી ઉપરાંત અબડાસા, લખપત અને બન્ની જેવા અત્યંત છેવાડાના ગામો સુધી પાણી પહોંચ્યું છે ત્યારે આ પાઇપલાઇનની સુધારણા માત્ર અત્યારના ધોરણે નહીં, પરંતુ આગામી 2050 સુધીનું આયોજન કરાયું છે. અત્યારે કચ્છની વસ્તી 25 લાખને પાર કરી ગઇ છે, તો પશુઓની સંખ્યા પણ 18 લાખ ઉપર છે. આવનારા દિવસોમાં માનવ અને પશુઓની સંખ્યા વધવાની છે. એ રીતે જરૂરિયાતને ધ્યાને લઇ પાઇપલાઇન મોટી કરી પાણીની વહન સંગ્રહશક્તિ ગમે ત્યારે વધારી શકાય એ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે.
અંદાજિત રૂપિયા 1349.26 કરોડની કામગીરી સાકાર થશે
પાણી પુરવઠા બોર્ડના મુખ્ય ઇજનેર અશોક વનરાએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત વધારાના રૂપિયા 400 કરોડની કિંમતની ડિ-સેલિનેશન પ્લાન્ટની કામગીરી ફેબ્રુઆરી-2023 સુધીમાં પૂર્ણ થશે તથા ડિ-સેલિનેશન પ્લાન્ટને હયાત નેટવર્ક સાથે જોડવાના નેટવર્કની રૂપિયા 302.99 કરોડની કામગીરી પણ હાથ ધરવામાં આવનારી છે. જે પૂર્ણ થવાથી પશ્ચિમ કચ્છના 425 ગામો અને અને 1 શહેર મળી કુલ 7 લાખ જેટલી વસ્તીને લાભ મળશે. આગામી દિવસોમાં સમગ્ર કચ્છ જિલ્લામાં 100 ટકા નળ સે જળ યોજનાની સિદ્ધિ જુદી જુદી આયોજિત યોજનાઓ અંદાજિત રૂપિયા 1349.26 કરોડની કામગીરી પૂર્ણ થયે સાકાર થશે.
આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસના નેતાઓની રાહુલ ગાંધી સાથે બેઠક, હાર્દિક પટેલ બિહાર જવા રવાના
આ પણ વાંચો : જાણો રાજકોટનો કયો ક્રિકેટર ડ્રગ્સના રવાડે ચડ્યો, ખુદ તેની માતાએ કર્યો ખુલાસો કે તેનો પુત્ર ડ્રગ્સ લે છે