- કચ્છ સીમાની જાસૂસી કરતો BSF જવાન ઝડપાયો મામલો
- આજે મંગળવારે આરોપી સજ્જાદને ભુજની કોર્ટમાં રજૂ કરાયો
- કોર્ટે આરોપી સજ્જાદના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
કચ્છ : ગુજરાત ATSના અધિકારીઓને આધારભુત અને વિશ્વસનીય સુત્રો તરફથી હકીકત બાતમી મળી હતી કે, સજ્જાદ સન ઓફ મોહંમદ ઇમ્તીયાઝ કે જમ્મુ કાશ્મીરનો રહેવાસી છે અને હાલમાં BSF બટાલિયન 74 માં A કંપનીમાં ગાંધીધામ કચ્છ ખાતે ફરજ બજાવે છે. આ સાથે જ તેના દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તી કરવામાં આવી રહી છે અને આ બાતમીના આધારે તેને પકડી પાડવામાં આવ્યો હતો, આ દરમિયાન તેની પાસેથી સીમકાર્ડ સાથે 2 મોબાઇલ ફોન તથા વધારાના 2 સીમકાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
આરોપીને ફરી 6 નવેમ્બરના કોર્ટમાં રજૂ કરવામાં આવશે
આરોપી સજ્જાદને ગુજરાત ATS દ્વારા આજે મંગળવારે ભુજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને વધુ પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. સ્પેશિયલ કોર્ટના જજ દ્વારા આરોપી સજ્જાદના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ફરી તેને 6ઠ્ઠી નવેમ્બરે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ રિમાન્ડ દરમિયાન આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવશે, જેમાં તેની સાથે કોણ કોણ સંકળાયેલા છે અને શા માટે તેને દેશ સાથે ગદ્દારી કરી છે, વગેરે અંગેના વધુ ખુલાસા થવાની સંભાવનાઓ છે.
દેશની આંતરિક સુરક્ષા અંગેની માહિતી દુશ્મન દેશને આપતો હતો
પ્રાથમિક તપાસ દરમિયાન, આરોપી સજ્જાદ ખોટા બર્થ સર્ટિફિકેટ બનાવીને BSFમાં ભરતી થયો હતો. જમ્મુના રાજૌરી જિલ્લાના મંજા કોટે તાલુકાના સરૂલા ગામનો સજ્જાદ મોહમ્મદ ઈમ્તિયાઝ વોટસએપ દ્વારા પાકિસ્તાનમાં BSFની મૂવમેન્ટ સહિતની સંવેદનશીલ અને ગુપ્ત માહિતી મોકલતો હતો.
આરોપી પાકિસ્તાનમાં કોઈ "અંકલ" સાથે હતો સંપર્કમાં
ગુજરાતનાં એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ દ્વારા આ જવાનની ધરપકડ કરવામાં આવી હતી, જેથી બોર્ડર ડિસ્ટ્રીકટ કચ્છની ઇન્ટેલિજન્સ એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી. સજ્જાદ નામના શખ્સની ગઈકાલે સોમવારે થયેલી ધરપકડ બાદ અનેકવિધ ખુલાસાઓ થવા પામી રહ્યા છે. આ દરમિયાન જ આજ રોજ આ કેસમાં વધુ કેટલાક ચોકાવનારા ખુલાસાઓ સામે આવવા પામ્યા છે. આ મામલે સૂત્રો તરફથી મળતી માહીતી અનુસાર સજ્જાદ નામનો BSFનો ગદ્વાર કોન્સટેબલ સામે પાર માહીતી મોકલતો હતો, તેમા ફોનનો ઉપયોગ કરતો હતો અને તે ફોનમાં સામેવાળી વ્યકિતને અંકલ તરીકે બોલાવતો હોવાની વાત ગઈકાલે સોમવારે સામે આવી હતી.
જવાન જે જે જગ્યાએ ડ્યૂટી પર હતો ત્યાં તપાસ કરાશે
આ ઉપરાંત આગામી પૂછપરછ દરમિયાન આ જવાન જે જે જગ્યાએ ડ્યુટી પર હતો તે તે જગ્યાએ પણ તપાસ કરવામાં આવશે, ખાસ કરીને ત્રિપુરા ખાતે તેને લઇ જઇને તપાસ હાથ ધરાશે તેવી વાત પણ સૂત્રો દ્વારા જાણવા મળી છે. આ ઉપરાંત, તેને કઈ કઈ માહિતી પાડોશી રાષ્ટ્રને પહોંચાડી છે અને કયાં ક્યાં લોકો સાથે તેના સબંધ હતા વગેરેની માહિતી પણ ટૂંક સમયમાં બહાર આવશે.
ISIના એક ઓફીસર સાથે સંપર્કમાં હતો જવાન : સૂત્રો
આ ઉપરાંત સવાલો એ ઊભા થયા હતા કે, આ અંકલ કોણ છે? હજુ સતાવાર રીતે કોઈ માહિતી બહાર આવી નથી, પરંતુ સૂત્રોનું માનીએ તો આ અંકલ પાકિસ્તાની ખુફીયા એજન્સી ISIનો એક ઓફીસર હોવાનું સામે આવ્યું હતું. BSFના કોન્સટેબલ સજ્જાદનો હેન્ડલર આ ISIનો ઓફિસર જ હોવાનું સામે આવ્યું છે. નોધનીય છે કે, ISIનો આ ઓફીસર સજ્જાદનો સબંધી છે અને સજ્જાદ તેના મારફતે જ હેન્ડલ થતો હતો. સજ્જાદની ધરપકડ બાદ સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની ગઈ છે અને હવે સજ્જાદની વધુ પૂછપરછ બાદ કંઈક નવા ખુલાસા આ કેસમા સામે આવી શકે છે.
કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
આ સમગ્ર કેસ બાબતે મીડિયા સાથે વાતચીત કરતા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે,"આરોપી મોહમ્મદ સજ્જાદ દેશની આંતરિક સુરક્ષા અંગેની માહિતી પાડોશી દુશ્મન દેશને આપી રહ્યો હતો અને ATS દ્વારા ઇન્ટેલિજન્સના આધારે તેને ઝડપી પાડયો હતો અને આજે મંગળવારે તેને ભુજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ATS દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી અને કોર્ટે ગુનાની ગંભીરતા તથા BSFના કોન્સ્ટેબલ હોવા છતાં પોતાની નૈતિક ફરજ વિરુદ્ધ જઈને દેશની સુરક્ષા અંગે દુશ્મન રાષ્ટ્રને માહિતી આપવાના ગંભીર ગુનાને ધ્યાનમાં રાખીને આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: