કચ્છઃ જિલ્લામાં વિવિધ 18 જેટલી હસ્તકલા પૈકી અજરખ બ્લેક પ્રિન્ટ અનોખુ સ્થાન ધરાવે છે, ત્રણ અલગ-અલગ કૌશલ્યના આયોજનની કલાના કારીગરો હાલ કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે. ભુજના અજરખપુર ગામમાં હાલ 70 ટકા ઉત્પાદન ઘટી ગયું છે, ત્યારે કારીગરોની સ્થિતિ 2021 પછી જ સુધરશે તેવી આશા હોવાથી કારીગરો સરકારી સહાય મળે તેવી માગ કરી રહ્યા છે.
![black-print-handicraftsmen](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjktc03kutchajrakhprinespecialphotosvideo7202731_15072020183455_1507f_02630_999.jpg)
જિલ્લામાં બ્લેક પ્રિન્ટ અજરખ કલા વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ખાસ કરી લધુમતી પરિવારોની આ કળાને પરંપરાગત ભૌમિતિક સાધનનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. તેમાં લાલ, બ્લુ અને કાળા રંગનો સૌથી વધુ ઉપયોગ કરીને વિશિષ્ટ અજરખ પ્રિન્ટ તૈયાર કરાય છે. 16 દિવસની મહેનત બાદ વિવિધ ત્રણ અલગ અલગ પ્રકારની કામગીરી ઘાઘરા, ઓઢણી, પાઘડી, ફેટો સહિત 20થી વધુ બનાવટ તૈયાર થાય છે.
![black-print-handicraftsmen](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjktc03kutchajrakhprinespecialphotosvideo7202731_15072020183459_1507f_02630_958.jpg)
કાપડ પર પ્રથમ કુદરતી કલર ત્યારબાદ બ્લેક વડે પ્રિન્ટ અને પછી વહેતા પાણીમાં મજબૂત કલર માટેની પ્રક્રિયા કરવામાં આવે છે. આ પ્રક્રિયા બાદ જે પ્રિન્ટ તૈયાર થાય છે તે હવે કચ્છની એક અલગ ઓળખ પણ છે.
ભુજ તાલુકાના અજરખપુર ગામમાં 150થી વધ પરિવારો રહે છે તે મોટાભાગે આ તકલા અને કારીગરી સાથે સંકળાયેલા છે. ઇટીવી ભારતની ટીમે બુધવારે આ ગામની મુલાકાત લીધી હતી, ત્યારે કારીગરોએ જણાવ્યું હતું કે કોરોના મહામારીને પગલે પ્રવાસન અને માગ બંધ થઈ જવાથી હાલ 70 ટકા ઉત્પાદન ઘટી ગયું છે.
![black-print-handicraftsmen](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjktc03kutchajrakhprinespecialphotosvideo7202731_15072020183459_1507f_02630_909.jpg)
નરસી ઇસ્માઇલ ખત્રીએ જણાવ્યું હતું કે, હાલ દસથી પંદર યૂનિટ ચાલુ છે, બાકીના બંધ છે. છેલ્લા ત્રણ માસમાં કોઈ જ નવા ઓર્ડર મળ્યા નથી. અત્યારે ફક્ત જૂના ઓર્ડર છે તેને પૂરા કરવા માટે યુનિટ ચલાવવામાં આવી રહ્યું છે. વેચાણ બંધ છે, પ્રવાસીઓ કોરોનાને કારણે આવતા નથી. મોટા શહેરોમાં માગ ઘટી છે. જેથી પ્રિન્ટ કારીગરો મુશ્કેલીમાં મુકાયા છે.
સુફિયાન ઈસ્માઈલ ક્ષત્રીએ જણાવ્યું હતું કે, 10 યુનિતમાં માત્ર 30 ટકા ઉત્પાદન થાય છે, જ્યારે 70 ટકા ઉત્પાદન ઘટી ગયું છે. કારણકે ઓર્ડર ન હોવાથી પ્રોડક્શન બંધ કર્યું છે. 16 દિવસની મહેનત પછી તૈયાર પ્રિન્ટનું વેચાણ ન થાય, જેથી ઉત્પાદન ઘટાડી દેવાયું છે. કુદરતી કલરનો ઉપયોગ કરીને પ્રિન્ટ તૈયાર થાય છે પણ વળતર ન મળે તેવી સ્થિતિમાં હાલ કારીગરો છે. લોકડાઉન અને કોરોના મહામારી પહેલા સ્થાનિક ગ્રાહકો મળતા હતા તેમજ મોટા શહેરોમાંથી પણ ઓર્ડર મળતા હતા, પણ હવે સ્થિતિ હાલ ખૂબ જ ગંભીર છે. જોકે આગામી સમયમાં પ્રવાસન પર ખીલી ઊઠશે અને મોટા શહેરોની સ્થિતિ સુધરશે એવી અમને આશા છે. જોકે ત્યાં સુધી સરકાર મદદ કરે તેવી માગ છે.