કચ્છ: ભુજમાં 250 જેટલી દુકાનો શો-રૂમ સાથેની મુખ્ય બજાર વાણીયાવાડમાં ગટરની સમસ્યાથી વેપારીઓ, નાગરિકો, ગ્રાહકો ત્રસ્ત થયા છે. ગત 12 વર્ષથી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. આમ છતાં પણ વરસાદ સમયે આ સમસ્યા વિકરાળ બની જાય છે. જેથી વેપારીઓ આ સમસ્યા ઉકેલવા માગ કરી રહ્યા છે.
આ અંગે ભુજની વાણીયાવાડ બજારના વેપારીઓએ જણાવ્યું હતું કે, વાણીયાવાડ બજારમાં તમામ પ્રકારની મળીને કુલ 250 જેટલી દુકાનો છે. સવારથી રાત સુધી કોરોના મહામારીને કારણે વેપારમાં અનેક મુશ્કેલીઓ છે. આ વચ્ચે વરસાદ હોવાથી બજારમાં ગટરના પાણી ફરી વળ્યા છે.
વેપારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભુજમાં વરસાદ પડે એટલે બસ સ્ટેશન વાણીયાવાડ બજારમાં પાણી ભરાય છે. આ વિસ્તારમાંથી લાખો-કરોડોના કામ થાય છે, પરંત પાણી ભરાવાની સમસ્યા હજૂ યથાવત છે. વરસાદ આવે એટલે ગટરની ચેમ્બરમાંથી પાણી બહાર નીકળે છે અને સમગ્ર બજાર ગટર સમસ્યા ભોગવે છે. વરસાદ બાદ 2 દિવસથી આ સમસ્યા વેપારીઓ, ગ્રાહકો અને નાગરિકો ભોગવે છે.
વેપારીઓએ જણાવ્યું હતું કે, આ સમસ્યા અંગે ગત 12 વર્ષમાં નગરપાલિકા સહિત તમામ સ્તરે રજૂઆત કરાઇ છે. મુખ્યપ્રધાનને પણ ટ્વીટ કરીને ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી.