ભૂજઃ ભુજ ખાતે યોજાનારા નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ખાતે હરિભક્તોને કળાના શહેર કોલકાતાની કારીગરીના અનેક ઉત્કૃષ્ટ નમૂના જોવા મળશે. છેલ્લા લગભગ ત્રણેક મહિનાથી કોલકાતાથી આવેલા 40 જેટલા કારીગરો દ્વિશતાબ્દી મહોત્સવનો મુખ્ય મંડપનો 400 ફૂટનું વિશાળ સ્ટેજ, 200 ફૂટનો મુખ્ય પ્રવેશદ્વાર, તેમજ 200 મૂર્તિઓ બનાવી રહ્યા છે. કારીગરો બાંબુ, માટી, પીઓપી, કલર, થર્મોકોલના કામમાં ખાસ પારંગત છે. પોતાની કળાથી આ ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે. ભુજ મિરજાપર હાઇવે પાસે નરનારાયણ દેવની મૂર્તિની પ્રતિષ્ઠાને 200 વર્ષ પૂર્ણ થતાં કચ્છમાં 17 એપ્રિલથી 26 એપ્રિલ સુધી ભવ્યાતિભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે.
લોકોને આકર્ષણઃ ભુજ મિરજાપર હાઇવે પાસે નરનારાયણ દેવની મૂર્તિની પ્રતિષ્ઠાને 200 વર્ષ પૂર્ણ થતાં કચ્છમાં 17 એપ્રિલથી 26 એપ્રિલ સુધી ભવ્યાતિભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે. આ દ્વિશતાબ્દી મહોત્સવ ભુજની ભાગોળે ઊભા કરવામાં આવેલ બદ્રિકાશ્રમ ધામ ખાતે યોજાશે.આ મહોત્સવમાં વિવિધ પ્રદર્શનીઓ જેમાં બદ્રીવન અને ગૌ મહિમા દર્શન જેવી પ્રદર્શની અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. જ્યારે મુખ્ય 9 દિવસીય મહોત્સવ માટે તડામાર તૈયારીઓ ચાલું છે. આ મહોત્સવમાં પ્રદર્શની તેમજ આકર્ષિત મુખ્ય સ્ટેજ અને મુખ્ય દ્વાર મારફતે લોકોને આકર્ષવા કલાત્મક કારીગરીના કામ માટે કોલકાતાથી ખાસ 40 જેટલા કારીગરોને ભુજ બોલાવવામાં આવ્યા છે.
અલગ અલગ કલાઃ સરકારી આર્ટસ કોલેજના વિદ્યાર્થી અને છેલ્લા 25 વર્ષથી જુદાં જુદાં ભવ્ય મહોત્સવમાં પોતાની કલા પાથરતા કોલકતાના મોનોજીત દાસે etv Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે," પોતાની સાથે 40 જેટલા કારીગરોની ટીમ લઈને આવ્યા છે.છેલ્લા અઢી મહિનાથી દિવસ રાત મહોત્સવ સ્થળ પર રહી કામ કરી રહ્યા છે. મહોત્સવમાં આકર્ષણ જળવાઈ રહે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. અહીં કામ કરી રહેલા 40 કારીગર અલગ અલગ કલાના સ્પેશ્યલિસ્ટ છે. કોઈ મૂર્તિઓ બનાવવામાં ,કોઈ રંગો માટે તો કોઈ માટીકામનો, કોઈ બાબુંનો, તો કોઈ થર્મોકોલ વડે વિવિધ આકારો બનાવવામાં માહેર છે.
200 જેટલી મૂર્તિઓઃ બદ્રિવન પ્રદર્શનનો 150 ફૂટનો પ્રવેશદ્વાર બનાવ્યા બાદ કારીગરો હવે સમગ્ર બદ્રિકાશ્રમ ધામનો 200 ફૂટ લાંબો પ્રવેશદ્વાર પણ કારીગરો કાપડ વડે બનાવી રહ્યા છે. આ મહોત્સવના મુખ્ય સભામંડપના સ્ટેજ પર 400 ફૂટનો એક વિશાળ હિમાલયનો અનુભવ કરાવતો સ્ટેજ આ કારીગરો દ્વારા પીઓપી વડે બનાવવામાં આવ્યો છે. મુખ્ય સ્ટેજની વચ્ચે એક વિશાળ ઝાડ બનાવવામાં આવ્યું છે. જ્યાં નરનારાયણ દેવની મૂર્તિ સ્થાપવામાં આવશે. ઉપરાંત મુખ્ય સ્ટેજ પર નરનારાયણ દેવની મૂર્તિ ઉપરાંત સંતો, પ્રાણીઓ અને પક્ષીઓની પણ અનેક નાની મોટી મૂર્તિઓ મૂકવામાં આવશે. છેલ્લા અઢી મહિનાથી કારીગરી રાત્રિના 2 વાગ્યા સુધી કામ કરતા હોય છે. કારીગરોએ અત્યાર સુધીમાં માટી અને ફાઈબરમાંથી 200થી વધારે મૂર્તિઓ બનાવીને તૈયાર કરી લીધી છે.