કચ્છ : ભુજમાં આજથી નર નારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. આ મહોત્સવમાં સહભાગી થવા અને લાભ લેવા માટે દેશ વિદેશથી લાખોની સંખ્યામાં હરિભક્તો ભુજ આવ્યા છે, ત્યારે તેમના રહેવા જમવાની વ્યવસ્થા મહોત્સવ સ્થળ ખાતે ઉભી કરવામાં આવી છે. મહોત્સવ ખાતે હજારો હરિભક્તો માટે ત્રણ સમય ભોજન બનાવવા 20 એકરમાં વિશાળ રસોડું ચાલુ થઈ ગયું છે. રસોઈયા અને સ્વયંસેવકો દ્વારા દરરોજનું હજારો કિલો ભોજન તૈયાર થઈ રહ્યું છે.
20 એકરમાં વિશાળ રસોડું ધમધમ્યું : નર નારાયણ દેવના ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવમાં સામેલ થવા દેશ દુનિયાથી લાખો હરિભક્તો આ દ્વિશતાબ્દી મહોત્સવના પ્રથમ દિવસે જ ભુજ પહોંચી આવ્યા છે. હરિભક્તો 26મી એપ્રિલ સુધી નરનારાયણ દેવની ભક્તિમાં લીન થશે, ત્યારે તેમના માટે પ્રસાદરૂપી ભોજન બનાવવા 20 એકરમાં વિશાળ રસોડું ધમધમી ઉઠ્યું છે. દરરોજ ત્રણ વખતનું ભોજન બનાવવા કેટરર્સના રસોઈયાઓ ઉપરાંત હજારો સ્વયંસેવકો રસોડામાં સતત સેવા આપી રહ્યા છે.
300 જેટલા રસોઈયાની ટીમ : દ્વિશતાબ્દી મહોત્સવ દરમિયાન લાખો હરિભક્તોને જમાડવા સ્વયંસેવકોની સાથે સાથે 300 જેટલા રસોઈયાની ટીમ કામ પર લાગી ગઈ છે. વહેલી સવારથી જ હરિભક્તો અને સ્વયંસેવકો નાસ્તો બનાવવાની તૈયારી શરૂ કરે છે. 20 એકરમાં તૈયાર કરેલા રસોડામાં મોટી સંખ્યમાં મહિલાઓ સેવા આપી રહી છે. શાકભાજી સમારવાથી લઈને વડા અને લાડવા વાળવા સુધીનો કામ મહિલા સ્વયંસેવકો કરી રહી છે. ભોજન તૈયાર થયા બાદ ભારી વાસણો ઊંચકીને સ્વયંસેવકો ટ્રેકટરમાં એક સ્થળથી બીજા સ્થળ સુધી પહોંચાડવા સુધીનું કામ કરી રહ્યા છે.
હજારોની સંખ્યામાં રોટલી, વડા, લાડુ, ખમણ : રસોડાનો કારોબાર સંભાળતા પુરુષોત્તમ સ્વરૂપ સ્વામીએ જણાવ્યું હતું કે, મહોત્સવના પ્રથમ દિવસે 40 હજાર લોકો માટેની રસોઈ તૈયાર થઈ છે તો અંતિમ દિવસ સુધી આ દૈનિક આંકડો 1.25 લાખ સુધી પહોંચશે. મોટી સંખ્યામાં ઉમટેલા હરિભક્તો માટે ભોજન પણ ખૂબ મોટી માત્રામાં બની રહ્યો છે. જેમાં હજારોની સંખ્યામાં રોટલી, વડા, લાડુ, ખમણ, મોહનથાળ અન્ય મિષ્ટાન બનાવવાનું શરૂ થઈ ગયા છે, ત્યારે હજારો કિલો શાક, ભાત અને દાળ બનાવવા પણ મોટા વાસણોમાં આખો દિવસ રસોઈ કરવામાં આવી રહી છે.
3000 જેટલા સ્વયંસેવકો સેવામાં : મહોત્સવમાં આવેલા હરિભક્તોને ભોજન વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે મહોત્સવ સ્થળે 15 જેટલા વિશાળ ભોજન કક્ષ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં પાંચ ખંડ બનાવવામાં આવ્યા છે. એક સમયે 400 લોકો ભોજન લઈ શકે છે. મહોત્સવ જેમ આગળ વધશે તેમાં હરિભક્તોની સંખ્યામાં વધારો થશે તેવી ગણતરી સાથે અંતિમ દિવસ સુધી 1.25 લાખ હરિભક્તો ભોજન ગ્રહણ કરશે.500 જેટલા કેટરર્સના લોકો તો 3000 જેટલા સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે.
આ પણ વાંચો : Bal Parayan: દ્વિશતાબ્દી મહોત્સવમાં બાળકો માટે યોજાશે વિશેષ બાળ પારાયણ
2000 ડબ્બા ઘી, 6000 ડબ્બા તેલ : સ્વામિનારાયણ સંપ્રદાયના મહોત્સવમાં કેટરિંગ સેવા આપતા અમરેલીના અરજણ પટેલે જણાવ્યું હતું કે, તેઓ પોતાની સાથે 300 રસોઈયાની ટીમ લઈને આવ્યા છે. 150 જેટલા રસોઈયા મીઠાઈ, ફરસાણ, શાક, દાળ ભાત બનાવે છે. તો 150 રસોઈયા ફક્ત રોટલી બનાવે છે. મહોત્સવ દરમિયાન 20 લાખ લોકો અહીં ભોજન લેશે. મહોત્સવમાં વિશાળ સમૂહ ભોજન બનાવવા માટે વિશાળ કોઠાર પણ ભરાઈ ગયા છે. 2000 ડબ્બા ઘી, 6000 ડબ્બા તેલ, 2000 કિલો તુવેર દાળ, 6000 કિલો ચણા દાળ અને અન્ય જરૂરી વસ્તુઓ કોઠારમાં ભરી લેવામાં આવી છે. તો દરરોજના શાકભાજી, દૂધ અને અન્ય વસ્તુઓ તાજા જ મંગાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : Dwishatabdi Mahotsav : વિશ્વ યુવા સંમેલનમાં 10,000 યુવક યુવતીઓએ એક કદમ સંસ્કૃતિ કી ઔરનું કર્યું રસપાન
એક કલાકમાં 1000 રોટલી : ઉલ્લેખનીય છે કે, હજારો હરિભક્તોને ભોજન પ્રસાદ માટે અંકલેશ્વરથી રોટલી બનાવવાના ખાસ 15 મશીન લાવવામાં આવ્યા છે. આ 15 મશીનો રોટલીનો લોટ બાંધવાથી લઈ, તેના લુવા પાડવા અને રોટલી બનાવવા સુધીનું કામ પણ આ મશીન જ કરે છે. આ દરેક મશીન પર 5-5 રસોઈયા કામ કરે છે.એક મશીનમાં એક કલાકમાં 25 કિલો લોટમાંથી 1000 રોટલી તૈયાર થાય છે.