ભુજ : નગરપાલિકા વિવિધ સમસ્યાઓના કારણે અવારનવાર વિવાદમાં રહેતી હોય છે. જેના કારણે ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠકકરને અનેક વાર લોકોના રોષનો ભોગ બનવુ પડ્યુ છે. શહેર કોંગ્રેસના આગેવાનો હોય કે સ્થાનીક લોકો બંગડી ફેંકવા તેમજ પાણીના માટલા ફોડવા સહિતની કામગીરી સાથે અનેકવાર લોકોએ પ્રમુખ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. નગરપાલિકાના પ્રમુખને અનેકવાર ઉગ્ર વિરોધ અને આક્ષેપો ચુપચાપ સાંભળવા પડ્યા છે. નગરપાલિકાની કચેરીમાં પોલીસની હાજરીમાં જ થપ્પડ કાંડ સર્જાતા મામલો ખુબ ગરમાયો છે.
ગૌરક્ષકે પ્રમુખ પર હુમલો કર્યો : ભુજના નાગર રોડ પાસે આવેલા ડમ્પીંગ સાઇડ પર વિજશોક લાગવાથી ગઈકાલે કેટલીક ગાયોના મોત થયા હતા. જે મામલે ગઇકાલે પણ ગૌ-રક્ષકો પાલિકા કચેરીએ રજુઆત માટે ગયા હતા અને આજે પણ પાલિકા કચેરીએ લોકો રજુઆત માટે પહોચ્યા હતા. જો કે પહેલાથી જ પોલિસની હાજરીને લીધે મામલો શાંત થઇ જશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ અચાનક એક વ્યક્તિએ ઉશ્કેરાઇને નગરપાલિકાના પ્રમુખ ધનશ્યામ ઠક્કરને થપ્પડ મારી દીધી હતી. જો કે ધટના બાદ પોલિસે તમામને અટકાવ્યા હતા, પરંતુ ત્યા સુધી મોડુ થઇ ગયુ હતું. આ ધટના સમયે ઉપસ્થિત મિડીયાના કેમેરામાં સમગ્ર ધટના લાઇવ કેદ થઇ હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
"લમ્પી વાયરસ સમયે ભુજ નગરપાલિકા ગુજરાતની સૌ પ્રથમ નગરપાલિકા હતી કે, જેણે લમ્પી અસરગ્રસ્ત ગાયો માટે અલગથી વાડો તૈયાર કર્યો હતો. તેમજ હોસ્પિટલ ઊભી કરી હતી, જેની મુલાકાત ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ લીધી હતી અને ભુજ નગરપાલિકાની કામગીરીને બિરદાવી હતી. પરંતુ આજે આવેદનપત્રની આડમાં હુમલો કર્યો હતો. 2.5 વર્ષના કાર્યકાળ દરમિયાન અનેક વિકાસના કામો નિષ્ઠાપૂર્વક કર્યા છે. ત્યારે આજે આવી રીતે વળતર મળતા ખૂબ દુઃખ થઈ રહ્યું છે. વકીલને મળીને તેમની સલાહ લેવામાં આવશે અને ત્યારબાદ કાયદાકીય પગલાં લેવામાં આવશે." - ઘનશ્યામ ઠક્કર, ભુજ નગરપાલિકા પ્રમુખ
પોલિસની હાજરીમાં ઘટના બની : ભુજ નગરપાલિકાના પ્રમુખે આ સમગ્ર બાબતને વખોડી કાઢી હતી અને ભાવુક થઈ ગયા હતા. અઢી વર્ષના પ્રમુખપદના કાર્યકાળ દરમિયાન કોઈએ આવી રીતે તેમને ગાળો નથી આપી અને આવી રીતે હુમલો નથી કર્યો. નાગોર ડમ્પીંગ સ્ટેશન પાસે બે ગૌમાતાને શોક લાગતા તેમનું મૃત્યુ થયું હતું, તે ઘટનાને પણ વખોડ્યું હતું. જે બાબતે ગૌ રક્ષકો આવેદનપત્ર આપવા નગરપાલિકા કચેરીએ આવ્યા હતા. રજૂઆત કરી આવેદનપત્રની ઝેરોક્ષ કરાવવા ગયા હતા અને 15થી 20 જણાના ટોળાંએ પ્રમુખને ઘેર્યો હતો અને પોલીસની હાજરીમાં ઉગ્ર બોલાચાલી અને રજૂઆતો કરી હતી. જેમાં એક શખ્સે પ્રમુખ પર હુમલો કર્યો હતો.