કચ્છઃ 6 મહિના અગાઉ ભુજના માધાપરમાં અત્યંત ચકચારી હનીટ્રેપનો કિસ્સો બન્યો હતો. જેમાં ટ્રાન્સપોર્ટ અને પેટ્રોલપંપ વ્યવસાય સાથે સંકળાયેલ પીડિત યુવક દિલીપ આહીર યુવકે આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં કુલ 4 કરોડ રુપિયાની ખંડણી માંગવામાં આવી હતી. પોલીસ અત્યાર સુધી 8 આરોપીની ધરપકડ કરી ચૂકી છે. પશ્ચિમ કચ્છ એલસીબીને આ કેસમાં વધુ એક આરોપી એડવોકેટ આકાશ મકવાણાની ભચાઉથી ધરપકડ કરવામાં સફળતા મળી છે.
8 આરોપી પકડાયા છેઃ અત્યંત ચકચારી એવા આ હનીટ્રેપ કેસમાં પોલીસ અત્યાર સુધી 8 જેટલા આરોપીની ધરપકડ કરી ચૂકી છે. મુખ્ય સૂત્રધાર મનીષા ગોસ્વામી જેલમાં કેદ છે. આ કેસમાં 4થી 5 વકીલોની ભૂમિકા શંકાસ્પદ હોવાનું જણાય છે. જેમાંથી 2 વકીલોને પોલીસ પકડી ચૂકી છે. મહિલા વકીલ કોમલ જેઠવાનું નામ પણ આ કેસમાં ઉછળ્યું છે. જો કે આકાશ મકવાણા નામક એડવોકેટ સાથે કોમલ જેઠવા ફરાર થઈ ગઈ હતી. પશ્ચિમ કચ્છ એલસીબીએ એડવોકેટ એવા આકાશ મકવાણાને ઝડપી લીધો છે. આકાશ મકવાણાએ આગોતરા જામીન અરજી કરી હતી જે નામંજૂર થતા આજે ભચાઉ ખાતેથી પોલીસે તેને પકડી લીધો છે.
કોમલ જેઠવા હજૂ પણ ફરારઃ પશ્ચિમ કચ્છ એલસીબીને આરોપી એડવોકેટ આકાશ મકવાણાની બાતમી મળી હતી. પોલીસે આ બાતમીને આધારે ભચાઉમાં વોચ ગોઠવી હતી. આ વોચમાં આકાશ મકવાણાની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. જો કે આકાશ મકવાણા સાથે ફરાર થયેલ મહિલા વકીલ કોમલ જેઠવા હજૂ પણ પોલીસની પહોંચથી દૂર છે. પોલીસે આ મહિલા વકીલને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.