કચ્છ: અતિપ્રાચીન અને એક આગવી ચિકિત્સા પધ્ધતિ એટલે કે આયુર્વેદ ઉપચાર. આયુર્વેદ ઋષિમુનિઓએ આપેલ અમૂલ્ય વારસો છે. આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિ રોગને જડમૂળથી દૂર કરવા માટે સક્ષમ છે. લોકોના શારીરિક સ્વાસ્થ્યનું રક્ષણ કરવું અને તેમના રોગને જડમૂળથી નાબૂદ કરવું એ આયુર્વેદ ઉપચારનો પ્રયોજન છે. ત્યારે કચ્છ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા અને સરકારી આયુર્વેદિક હોસ્પિટલના ઉપક્રમે એક ખાસ પહેલ કરવામાં આવી છે.
સરકારી આયુર્વેદ હોસ્પિટલ: ગુજરાત સરકાર દ્વારા સંચાલિત 20 બેડની સુવિધાવાળી સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે કાર્યરત છે. જેમાં સરકારી હોમિયોપથી દવાખાનું તથા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત છે. જે અંતર્ગત આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ મુજબ પંચકર્મ ચિકિત્સા,અગ્નિકર્મ ચિકિત્સા, શિરાવેધન ચિકિત્સા અને ગર્ભાધાન સંસ્કાર અંગે સમજણ આપવામાં આવે છે. ચિકિત્સા તથા યોગ દ્વારા સારવારની સેવાઓ પણ અહીં કાર્યરત છે. જેનો લાભ કચ્છના લોકો મોટી સંખ્યામાં લઈ રહ્યા છે.
અધધ દર્દીઓને મળ્યો લાભ: સરકારી આયુર્વેદિક હોસ્પિટલના RMO ડો.કુંદન ગઢવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે," વર્ષ 2022-23 માં ઓપીડીના માધ્યમથી કુલ 36,444 દર્દીઓએ આયુર્વેદિક હોસ્પિટલની સારવારનો લાભ લીધો હતો. જ્યારે વર્ષભર યોજાયેલ વિવિધ નિદાન સારવાર કેમ્પોમાં 6116 દર્દી, પંચકર્મનો 30,580 દર્દીઓએ લાભ લીધો છે. સિનિયર સિટીઝન કેમ્પમાં 12,806, અમૃતપેય ઉકાળા કેમ્પમાં 96,907, સંશમની વટી વિતરણમાં 57,225, કુપોષણ નિવારણ કેમ્પનો 2616, ડાયાબિટીસ કેમ્પમાં 3859, સુવર્ણપ્રાશન કેમ્પનો 2942,શીરાવેધન કર્મમાં 42, સિનિયર સિટીઝનના જરા ચિકિત્સા કેમ્પનો 8927, અગ્નિકર્મ ચિકિત્સામાં 477 દર્દીઓએ સારવાર મેળવી છે."
સરકારી આયુર્વેદિક હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કુંદનબેન ગઢવી છે. તેઓ આયુર્વેદ હોસ્પિટલની વિવિધ પ્રવૃત્તિઓ વિશે જણાવશે. ઉપરાંત આયુર્વેદિક યુનિક પંચકર્મ શું છે એના વિશે માહિતી આપશે. તેમજ હાલમાં જે સ્વસ્થ ભારતથી સમર્થ ભારત બનાવવાની નેમ અને હર દિન હર ઘર આયુર્વેદને સૌ કોઈ અપનાવે એ ખાસ ઉદેશ્ય છે.--- ડૉ.પવન મકરાણી (જિલ્લા આયુર્વેદ અધિકારી)
હોસ્પિટલના વિવિધ આયોજન: આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા લોકોમાં આયુર્વેદના ઉપચાર અંગે જાગૃતિ આવે તથા સ્વાસ્થ્ય બાબતે લોકો સજાગ બને તે માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. જેમાં વર્ષ દરમિયાન 63 આયુર્વેદ સંવાદ યોજવામાં આવ્યા છે. આ સાથે 72 સદવૃત સ્વસ્થવૃત શિબિરનું આયોજન કરાયું છે. કિશોરી, સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓને માર્ગદર્શન ચિકિત્સા અને યોગ શિબિરના આયોજન થકી લાભાન્વિત થયા છે. આ સાથે રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં 588, રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીમાં 255 તથા વ્યસન મુક્તિ, એઇડ્સ, કેન્સર, ટીબી, અવેરનેસ કાર્યક્રમમાં 6116 લોકોએ લાભ લીધો છે.
હોમિયોપેથીક દવાખાનું: ઉપરાંત હોમિયોપેથીક દવાખાનું પણ આયુર્વેદ હોસ્પિટલમાં કાર્યરત છે. મોટી સંખ્યામાં લોકો હોમિયોપેથીક સારવારનો પણ લાભ લઇ રહ્યા છે. જેમાં અત્યાર સુધી વ્યસન મુક્તિ , એઇડ્સ, કેન્સર, ટીબી, અવેરનેસ કાર્યક્રમમાં 535 તો ઓપીડીમાં 9099, નિદાન સારવાર કેમ્પમાં 915, આંગણવાડીમાં 801, શાળા મુલાકાતમાં 1250, આર્સેનિક આલ્બમ વિતરણમાં 6094 તથા લોકોએ લાભ મેળવ્યો છે.
દરેક રોગનો રામબાણ ઈલાજ: આયુર્વેદિક વૈદ્ય ડો. બર્થાબેન પટેલ માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યના રક્ષણ માટે આયુર્વેદમાં કામગીરી કરવામાં આવે છે. જેમાં વિવિધ પધ્ધતિથી ઉપચાર કરવામાં આવે છે. જેથી લોકો રોગને જળમૂડથી નાબૂદ કરી શકે. હાલમાં એલોપેથીક દવાઓથી લોકોને ઘણી આડઅસરો થતી હોય છે. જ્યારે આયુર્વેદિક ઉપચાર દ્વારા રોગના નિદાનમાં સમય લાગે છે. પરંતુ રોગ જડમૂળથી નાશ પામે છે અને કોઈ આડઅસર થતી નથી.