કચ્છ: કચ્છના જુદાં જુદાં ગુનામાં સંડોવાયેલા આરોપી જયંતી ઠક્કર સામે પાસા તળે કાર્યવાહી કરવામાં આવી છે. આ આરોપી વિરુદ્ધમાં 10થી વધુ ગુના નોંધાયેલા છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પણ મુખ્ય આરોપી જયંતિ ઠક્કર છે. ભુજ એલસીબીએ પાસા હેઠળ અટકાયત કરી છે અને હવે આરોપીને ભાવનગર જેલમાં ધકેલવામાં આવ્યો છે.
દસથી વધુ ગંભીર કેસ: ભુજમાં બોગસ ખાતેદાર મંડળીઓના નામે કરોડો રૂપિયાની લોન મેળવી હજમ કરવી, હત્યા, હની ટ્રેપ, કાવતરું ઘડી હુમલો કરાવવા, જેલમાં ફોનનો ઉપયોગ કરવો, દારૂની મહેફિલ માણવી જેવા દસથી વધુ ગંભીર કેસમાં સંડોવાયેલાં જેન્તી જેઠાલાલ ઠક્કર (ડુમરાવાળો)ને પોલીસે હવે પાસા હેઠળ ભાવનગરની જેલમાં ધકેલ્યો છે.
ભયજનક વ્યક્તિ તરીકેની છાપ ધરાવતો હતો આરોપી: પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે માહિતી આપતા જણાવ્યું કે 59 વર્ષિય જેન્તી ઠક્કર શરીર સંબંધી ગુનાઓ આચરી પ્રજાની શાંતિમાં ખલેલ પહોંચાડીને ભયજનક વ્યક્તિ તરીકેની છાપ ધરાવતો હતો. જાહેર જનતામાં શાંતિ જળવાઈ રહે તે હેતુ પાસામાં અટક કરાયો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અબડાસા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્યની હત્યામાં સંડોવણી: ઉલ્લેખનીય છે કે, જેન્તી ઠક્કર સામે અબડાસા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલીની ચાલુ ટ્રેનમાં હત્યા, વિવિધ ખેડૂત ખાતેદાર મંડળીના નામે કેડીસીસી બેન્કમાંથી બોગસ લોન મેળવી કરોડો રુપિયાનું કૌભાંડ કરવા બાબતે સીઆઈડી ક્રાઈમ દ્વારા પાંચ ગુના દાખલ કરવામાં આવ્યા હતા. ભચાઉ જેલમાં ગેરકાયદેસર રીતે પોતાના માણસોને કોટડીમાં ઘૂસાડી દારૂની મહેફિલ માણવા બાબતે, ગેરકાયદેસર જેલમાં ફોન રાખવા બાબતે, આદિપુરના ફાઈનાન્સરને હની ટ્રેપમાં ફસાવીને દસ કરોડ રૂપિયાની ખંડણી માંગવા બાબતે તો ષડયંત્ર રચીને માણસો મારફતે ભુજના સામાજિક કાર્યકર હેનરી ચાકો પર જાનલેવા હુમલો કરવા બાબતે એમ મળીને દસથી વધુ ગંભીર ગુના નોંધાયેલાં છે.
ભવનગર જેલમાં ધકેલાયા: ખાસ કરીને વાત કરવામાં આવે તો હાઈકૉર્ટે આરોપી જયંતી ઠકકરને કેન્સરની બીમારીના આધારે છેલ્લે 10 કરોડના હની ટ્રેપના ગુનામાં જામીન મુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ, પોલીસે હવે ફરી તેને પાસા હેઠળ અટકાયત કરીને ભાવનગર જેલમાં ધકેલી દીધો છે.