કચ્છ: રાજય સરકાર દ્વારા ૩જી મે સુધી ચાલનારા લોકડાઉન વચ્ચે માર્કેટ યાર્ડ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને અનુલક્ષીને કચ્છ સહકારી મંડળીઓ, જિલ્લા રજીસ્ટ્રાર ગૌતમભાઇ સોલંકીની અધ્યક્ષતામાં જિલ્લાના માર્કેટયાર્ડ ચાલુ કરવા મહત્વની બેઠક મળી હતી. 20 એપ્રિલ સુધી લોકડાઉનની કડક અમલવારી બાદ કચ્છ જિલ્લાના તમામ માર્કેટયાર્ડો 21 એપ્રિલથી માર્ગદર્શક સૂચનાઓ મુજબ ચાલુ કરવામાં આવશે.
16 એપ્રિલથીથી ખેડૂતો માર્કેટ યાર્ડમાં પોતાનું રજીસ્ટ્રેશન સવારે 7 થી 11 વાગ્યા સુધી કરાવી શકશે. અનાજ માર્કેટયાર્ડ શરૂ કરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટેની જરૂરી સેનેટાઈઝર, માસ્ક, ગ્લોવઝ તેમજ ડીજીટલ ઈન્ફ્રારેડ ટેમ્પ્રેચર ગન ખરીદવા અંગેની તમામ કામગીરી બજાર સમિતિ 20 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરશે.
કચ્છ જિલ્લામાં બજાર સમિતિ, ભુજ, અંજાર, ભચાઉ અને રાપર ખાતેના માર્કેટયાર્ડોમાં હરાજીની પ્રક્રિયા થાય છે. જયારે બજાર સમિતિ મુન્દ્રા, માંડવી, નખત્રાણા અને કોઠારા ખાતે હરાજીની પ્રક્રિયા થતી ન હોવાથી લોકડાઉનના સમયગાળા દરમિયાન ખેડૂતો પોતાનો માલ વેચી શકે તે માટે બજાર સમિતિના વેપારી લાયસન્સ ધરાવતા વેપારીઓ/કમીશન એજન્ટો તથા મજુરોને જિલ્લા કલેકટર તરફથી પાસ ઈસ્યુ કરવાની કામગીરી બજાર સમિતિ લેવલે પૂર્ણ કરવામાં આવશે. જો પાસ અંગેની કામગીરી પૂર્ણ થાય તો વેપારીઓ જે તે ખેડૂતના ગામે/ખેતરે થઇ માલ ખરીદી શકે અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાઇ રહે.
આ કમિટીમાં જિલ્લા ખેતીવાડી અધિકારી-ભુજ, જિલ્લા બાગાયત અધિકારી, વાઇસ ચેરમેન ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ડાયરેકટર ખેતીવાડી સમિતિ-અંજાર, સેક્રેટરી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-રાપર, સહકારી અધિકારી બજાર સમિતિ ઉપસ્થિત રહયા હતા.