- કચ્છમાંથી ઝડપાયો 44 લાખનો દારૂ
- વિવિધ બ્રાન્ડની કુલ 10668 બોટલ જપ્ત
- રેન્જ આઈજી સ્તરથી કરાઈ કાર્યવાહી
ભૂજઃ કચ્છના સામખિયાળી પોલીસ મથકની હદમાં આવતા વિસ્તારમાં મંગળવારે કચ્છ ડીઆઈજીની આર.આર.સેલની ટીમે દરોડો પાડી રૂપિયા 44 લાખનો દસ હજાર જેટલી બોટલનો વિદેશી પ્રકારનો ભારતીય બનાવટના દારૂનો જંગી જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે ટ્રકચાલક સહિત કુલ પાંચ લોકો સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે પોલીસની સચોટ કામગીરી
કચ્છમાં અવનવા માર્ગે દારૂનો જથ્થો પહોંચતો થાય છે. દારૂબંધીના કડક અમલ માટેના કચ્છ ડીઆઈજી જે. આર. મોથાલિયાા આદેશોને પગલે પોલીસ સતત આ અંગે કાર્યવાહીમાં છે. ડીઆઈજીની રેન્જ આરઆર સેલને પુર્વ બાતમી મળી હતી, જેમાં ટ્રક નંબર સહિતની બાબત સામે આવી હતી. જેને પોલીસની ટીમે આ ટ્રકને સામખિયાળી ખાતેથી પકડ પાડી હતી.
10668 બોટલ સાથે 44 લાખનો દારૂ ઝડપાયો
પોલીસે બાતમીના આધારે સામખિયાળી હાઈવે પર આવેલી જય દ્વારકાધિશ હોટલ પાસેથી આ ટ્રકને ઝડપી પાડ્યો હતો. બાતમી મુજબ પોલીસે ટ્રકને અટકાવી તેની તલાશી લેતા આ ટ્રકમાંથી પોલીસને દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ બોટલની ગણતરી કરતા કુલ 10668 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે ટ્રક અને દારૂના જથ્થા સહિત કુલ 54 લાખ 40 હજાર 500 નો મુદામાલ જપ્ત કર્યો હતો.
માલ મોકલનાર અને મંગાવનાર સામે ગુનો દાખલ
પોલીસે આ ટ્રક સાથે ચાલક રાજસ્થાની યુવાન જસરાજ ઉર્ફે જશુ ગુમનારા પાબડાના ઝડપી લીધો હતો. જયારે રમેશકુમાર જાટ અને સુરેશ ચૌધરી નામના આરોપીઓ નાસી ગયા હતા. પોલીસે કહ્યુ હતું આ ત્રણેય આરોપીઓ ઉપરાંત આ દારૂનો જંગી જથ્થો કચ્છ સુધી મોકલનાર અને આ જથ્થો કચ્છમાં મંગાવનાર આરોપીઓ સામે દારૂબંધીની વિવિધ કલમો તળે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.