- કૂકમા રેલવે સ્ટેશન નજીક આત્મહત્યાનો વિચિત્ર બનાવ
- આત્મહત્યા કરનારા યુવકનો મૃતદેહ લઈને ટ્રેન પહોંચી રેલવે સ્ટેશન
- ચીરફાડ કર્યા બાદ મૃતદેહને ટ્રેનના આગળના ભાગેથી બહાર કઢાયો
ભૂજ : આજે મંગળવારે સવારે કચ્છ ટ્રેન નીચે પડતુ મૂકીને એક યુવાને આત્મહત્યા કરી હતી. ભૂજના કૂકમા રેલવે સ્ટેશન પાસે આત્મહત્યા કર્યા બાદ આ યુવાનનો મૃતદેહ રેલવે એન્જીનના આગળના ભાગે ફસાઈ ગયો હતો. જેને લઈને ટ્રેન કૂકમા રેલવે સ્ટેશન સુધી પહોંચી હતી. જ્યારબાદ ચીરફાડ કરીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
રોજમદાર યુવક દરરોજે 200 રૂપિયા કમાતો હતો
આ અંગે રેલવે પોલીસના PSI પ્રફૂલ સોંદરવાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ યુવાન નર્સરીમાં કામ કરતો હતો અને રોજેરોજ 200 રૂપિયા કમાઈને જીવનનિર્વાહ ચલાવતો હતો. આજે તેણે અગમ્ય કારણોસર ટ્રેન સામે પડતું મૂકીને આત્મહત્યા કરી છે. જ્યારે આ અંગે મૃતક યુવકના પાડોશીઓએ તે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પણ જણાવ્યું હતું. જોકે, પોલીસે હાલમાં અકસ્માત મોતની નોંધ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.