કચ્છઃ જિલ્લામાં રવિવારે એક સાથે કોરોનાના 14 પોઝીટીવ કેસ નોંધાતા ભારે ખળભળાટ મચી ગયો છે, જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થતા સમગ્ર કચ્છમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. તંત્રના જણાવ્યાં મુજબ તમામ પોઝિટિવ દર્દીઓ અન્ય પ્રાંતથી કચ્છ પહોંચ્યા હતા, હાલ તમામને સારવાર માટે કોવિડ હોસ્પિટલ ખસેડવાની કામગીરી થઇ રહી છે, આ ઉપરાંત સંપર્કમાં આવેલા લોકોને કવોરન્ટાઇન કરવા સહિતની કામગીરી આરોગ્ય વિભાગે શરૂ કરી દીધી છે.
જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશીએ જણાવ્યું હતું કે આ 14 કેસમાં ભચાઉ તાલુકામાં આઠ કેસ, માંડવી તાલુકાના બે કેસ, અને અબડાસા તાલુકાના ચાર કેસ નોંધાયા છે. તમામ પોઝિટિવ કેસ ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવે છે, હાલ તમામને મુન્દ્રા અને આદિપુરની હરિ ઓમ હોસ્પિટલમાં ખસેડી સારવાર શરૂ કરાઇ છે.
જિલ્લામાં અત્યાર સુધી કુલ 17 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાં બે કેસ અમદાવાદ અને મુંબઈ ખાતે નોંધાયેલા છે, આમ જિલ્લામાં સત્તાવાર 15 કેસ અને રવિવારના 14 કેસ મળીને જિલ્લામાં કુલ 29 પોઝિટિવ કેસ જ્યારે ટેકનિકલ રીતે કચ્છમાં 31 દર્દીઓ નોંધાયા છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમકુમારે જણાવ્યું હતું કે હાલ તમામ દર્દીઓને સારવાર માટે ખસેડવાની કાર્યવાહી ચાલી રહી છે. જ્યારે સંપર્કમાં આવેલા લોકોને કવોરન્ટાઇન કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે, રવિવારે આવેલા તમામ કેસોમાં 12 પુરુષ અને બે મહિલાનો સમાવેશ થાય છે, જેમાં બે વૃદ્ધ સિવાય તમામ યુવાન વયના છે. તેમજ તમામમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી, પરંતુ ટેસ્ટિંગમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.