વર્ષાઋતુ 2021ના આગોતરા આયોજન અને તકેદારી અંગેની બેઠક યોજાઇ
કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લાસ્તરીય વિડીયો કોન્ફરન્સથી અમલવારી બેઠક
પ્રાંત અને તાલુકા કક્ષાએ પણ પ્રિ-મોન્સુન પ્લાન કરવા સુચના અપાઇ
કચ્છઃ પ્રિ-મોન્સુન પ્લાન 2021ની પૂર્વ તૈયારીરૂપે કલેક્ટર અને નિવાસી અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલાએ જિલ્લા અને તાલુકાઓ તેમજ તાલુકાના ગામડાઓમાં વરસાદ, વાવાઝોડું કે કોઇપણ પ્રકારની આફતો આવે ત્યારે જે તે વિસ્તારમાં અગમચેતીથી સાવચેતીના પગલાં લેવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા.
બેઠકમાં જુદા જુદા વિભાગોની ચર્ચા કરવામાં આવી
સાધન ચકાસણી, તકેદારી, બચાવની કામગીરી જેવા કે સંદેશા વ્યવહારના માધ્યમો, GSDMAના બચાવના સાધનો, પુરરાહત સબંધે તાલુકાકક્ષાએ પણ કન્ટ્રોલરૂમ કાર્યરત કરવા, પોલીસની કામગીરી, સિંચાઇ વિભાગ દ્વારા ડેમોની સ્થિતિ અને આગોતરી તૈયારી, કેનાલ સફાઇ, પાણી પુરવઠાની તૈયારી, રોડ રસ્તાની મરમંત અને સાઈન બોર્ડ, વન વિભાગની કામગીરી, રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય શાખાની તૈયારી, એસ.ટી.સુવિધા, નગરપાલિકાઓને શહેરી વિસ્તારોમાં પાણી નિકાલ અને પીવાના પાણીની સુચારૂ વ્યવસ્થા, પુરવઠા વિભાગને ગ્રામ્યસ્તરે કરેલી તૈયારી, PGVCLની તેમજ ઈન્ડસ્ટ્રીયલ હેલ્થ સેફટીમાં તકેદારીના પગલા, ગંદા પાણીના નિકાલ બાબતે, જર્જરીત મકાનોની યાદી, સંપર્ક વિહોણા ગામોની યાદી અને આગોતરી સહાય, બચાવ ટીમની તૈયારી મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓએ છેવાડાના ગ્રામ સુધી લેવાની તકેદારી અને પૂર્વ તૈયારી બાબતે સૂચનો કરી સબંધિત વિભાગો સાથે ચર્ચા કરી હતી.
ભારે વરસાદની સ્થિતિ સર્જાય તો શું કરવું તે અંગેની ચર્ચા કરાઈ
જિલ્લામાં તમામ પ્રાંત અને તાલુકાસ્તરે પણ પ્રિ-મોન્સુન પ્લાન તૈયાર કરવા કલેક્ટર દ્વારા સૂચના અપાઇ હતી. જિલ્લામાં આવેલા વરસાદ માપક યંત્રો સુસજ્જ અને અધતન કરી સબંધિતોને યાદી મોકલવા જણાવ્યું હતું. ભારે વરસાદની સ્થિતિ સર્જાય તો સ્થળાંતર, જરૂરી તાત્કાલિક કરવાની થતી કાર્યવાહી, આશ્રયસ્થાનો, જીવનજરૂરી આવશ્યક ચીજવસ્તુઓ તેમજ ડી-વોટરીંગ કરવાની કામગીરી તાત્કાલિક ધોરણે કરવાની વગેરેની ચર્ચા આ કોન્ફરન્સમાં કરવામાં આવી હતી.
અનેક અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા
આ બેઠકમાં અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલા, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાની, ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડયુટી કલ્પેશ કોરડીયા, ડેપ્યુટી ડીડીઓ જી.જે.પ્રજાપતિ, જિલ્લા પુરવઠા અધિકારી ડો.રીના ચૌધરી, જિલ્લા રજીસ્ટ્રાર વી.આર.કપુરીયા, નાયબ માહિતી નિયામક એમ.ડી.મોડાસીયા, મત્સ્યોધોગના મદદનીશ નિયામક જે.એલ.ગોહેલ, આર એન્ડ બી ના ઈજનેર આર.બી.પંચાલ, સિંચાઇમાંથી મદદનીશ ઈજનેર કે.વી.ટેલર, ભુજ ચીફ ઓફીસર સોલંકી, ઈજનેર એચ.કે.રાઠોડ, કે.પી.દેવ, ભુજ મામલતદાર વી.એચ.બારહટ તેમજ ડિઝાસ્ટર શાખાના ઈન્ચાર્જ ડિઝાસ્ટર મામલતદાર રાહુલ ખાંભરા, નાયબ મામલતદાર રમેશ ઠકકર ઉપસ્થિત રહ્યા હતા.