- ભુજમાં પીધેલાં આધેડે પેટ્રોલ છાંટી વેપારીને સળગાવ્યો
- વેપારીએ ઉધારમાં બીડી-પેટ્રોલ ન આપતા ભર્યું પગલું
- બે શખ્સોને સળગતા જોઈ ભારે સનસનાટી મચી
ભુજઃ લોકોની અવરજવરથી સતત ધમધમતી રહેતી ભૂજની રઘુવંશી ચોકડી પાસે ગુરુવારે બપોરે સળગી રહેલા બે શખ્સોને જોઈ ભારે સનસનાટી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર રઘુવંશી ચોકડી નજીક એક વૃદ્ધ બીડી, બાકસ અને છૂટક પેટ્રોલ વગેરેનું વેચાણ કરે છે. ગઇકાલે બપોરે એક આધેડ તેમની પાસે બીડી-પેટ્રોલ ખરીદવા આવ્યો હતો. તેના અગાઉના પૈસા બાકી હોવાથી દુકાનદારે તેને કોઇ પણ વસ્તુ આપવાની ના પાડી દીધી હતી. જેના કારણે ઉશ્કેરાયેલા આધેડે દુકાનમાંથી પેટ્રોલની બોટલ લઇને દુકાનદાર પર પેટ્રોલ છાંટવાનું શરૂ કર્યું હતું. જો કે, દુકાનદાર પર પેટ્રોલ છાંટતા આરોપી પણ પટકાયો હતો અને તેના પર પણ પેટ્રોલ ઢોળાયું હતું. નશામાં ચૂર આરોપીએ દુકાનદારને આંગ ચાંપી હતી. થોડી વારમાં તે પણ આગમાં સપડાઇ ગયો હતો.
વધુ વાંચો - નૌગામ પોલીસે દારૂની તસ્કરી કરતા આરોપીની ધરપકડ કરી
લોકોએ 108 બોલાવી
બજારમાં બન્ને વ્યક્તિઓને સળગતાં જોઇને લોકો એકઠા થઇ ગયાં હતાં અને લોકોએ 108 એબ્યુલન્સ બોલાવી બંને ઇજાગ્રસ્તોને જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડ્યાં હતા. જેમાંથી આરોપીની તબિયત વધારે ગંભીર હોવાથી તેને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે દુકાનદારનું નિવેદન લઇને ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ વાંચો - ભરૂચ જિલ્લામાં દોઢ માસમાં 75 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો