- પૂર્વ કચ્છના આડેસર પોલીસ મથકનો બનાવ
- પોલીસ મથકમાં યુવકને મારતો હોવાનો વીડિયો કર્યો હતો વાઈરલ
- 8 પોલીસ કર્મીઓ વિરૂદ્ધ નોંધાયો ગુનો
કચ્છ: રાધનપુર હોસ્પિટલમાં હાલમાં સારવાર મેળવી રહેલા યુવકનો આક્ષેપ છે કે, તેણે પોલીસ મથકમાં એક યુવકને પોલીસ દ્વારા માર મારવામાં આવતો હોવાનો વીડિયો વાઈરલ કર્યો હતો. જેના કારણે પોલીસે તેને શોધીને માર માર્યો હતો અને આ અંગે જ્યારે તે ફરિયાદ દાખલ કરાવવા ગયો ત્યારે પોલીસ ફરિયાદ દાખલ કરી ન હતી. જેથી આ અંગે સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસને અરજી કરતા માર મારવામાં સંડોવાયેલા 7 પોલીસ કર્મીઓ વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
શું હતી સમગ્ર ઘટના?
ફરિયાદી પ્રતાપ કોલી પોતાના ભાઈ સાથે 12 એપ્રિલના રોજ આડેસર પોલીસ મછકે અરજી આપવા ગયો હતો. જ્યાં મહેન્દ્રસિંહ નામના એક પોલીસ કર્મી કોઈ એક યુવાનને માર મારી રહ્યો હતો. પ્રતાપે આ ઘટના પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી હતી અને થોડા સમય બાદ માનગઢના એખ વોટ્સએપ ગૃપમાં શેર કર્યો હતો. આ ઘટના બાદ અચાનક 4 લોકો તેમના ઘરે પહોંચી ગયા હતા અને પ્રતાપને ગાળો દઈને સીધા પોલીસ મથક લઈ ગયા હતા. જ્યાં તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. માર મારવાથી મૂર્છિત થઈ ગયેલા પ્રતાપની સારવાર માટે પોલીસ મથકમાં જ ડૉક્ટરને બોલાવાયા હોવાનું જાણવા મળ્યું છે.
આરોપી પોલીસ કર્મચારીઓ:
- વાય.કે.ગોહિલ, પી.એસ.આઈ.
- બી.બી.ઝાલા, કોન્સ્ટેબલ
- હકુભા જાડેજા, કોન્સ્ટેબલ
- વિષ્ણુદાન ગઢવી, કોન્સ્ટેબલ
- મહેન્દ્રસિંહ, કોન્સ્ટેબલ
- ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ
- અજાણ્યો પોલીસ કર્મી
જવાબદાર પોલીસ કર્મીઓ વિરૂદ્ધ 323ની કલમ અંતર્ગત ગુનો નોંધાયો
સમગ્ર ઘટના અંગે પૂર્વ કચ્છના સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ મયુર પાટિલે ETV Bharat સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ઘટનામાં સંડોવાયેલા 7 પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ કલમ 323 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને CPI ખુદ આ કેસની તપાસ કરી રહ્યા છે.