- કચ્છમાં વડાપ્રધાન-ગૃહપ્રધાનને સંબોધી લખાયેલો નનામી પત્ર થયો વાયરલ
- પત્રમાં કચ્છમાં ભાજપના નેતાઓ જ ખનીજ ચોરીનો ધંધો કરી રહ્યા હોવાનો આક્ષેપ
- નનામી પત્રમાં કચ્છને બચાવી લેવા વડાપ્રધાન સમક્ષ માગ કરાઇ
કચ્છ: વડાપ્રધાન-ગૃહપ્રધાન સાથે કચ્છ તથા ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન અને હોદ્દેદારોને પણ આ પત્રની નકલ રવાના કરાઇ હોવાનો ઉલ્લેખ પણ આ પત્રમાં કરવામાં આવ્યો છે. કચ્છ ભાજપમા આંતરીક જુથવાદ એ કોઇ નવી વાત નથી. જો કે, કચ્છ ભાજપના કેટલાક જવાબદારોને પ્રદેશ સંગઠનમાં સ્થાન મળ્યા બાદ જુથવાદ ચરમસીમાંએ પહોચ્યો છે. દિલીપ ત્રિવેદી અને વિનોદ ચાવડા જુથ સામે લખાયેલા આ પત્રથી કચ્છમાં ભાજપનો ત્રીજો નવો મોરચો ખુલ્યો હોય તેવુ આ પત્રના લખાણ પરથી લાગી રહ્યુ છે.
પોતાના મળતીયાઓને ટિકીટ આપવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો
કચ્છમાં ભાજપ પ્રદેશ પ્રમુખોના નામ દર્શાવીને બે નેતાઓ કચ્છમાં પોતાનું ધાર્યું કરાવી રહ્યાં છે તેવો આક્ષેપ પત્રમાં કરાયો છે. નગરપાલિકાની ચૂંટણીમાં આ નેતાઓએ પોતાના મળતીયાઓને ટિકીટ અપાવ્યા બાદ હવે વિધાનસભાની ચૂંટણીમાં પણ ટિકિટ આપવાના સપના બતાવી રહ્યા છે તેવો આક્ષેપ આ નનામી પત્રમાં કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો- રાજસ્થાનમાં ધમાસાણ વચ્ચે રાજ્યપાલના નામથી પત્ર વાયરલ, પૂછ્યું- શું ગૃહ મંત્રાલય રક્ષા કરી શકતો નથી?
માનીતા લોકોને એક કરતા વધુ પદો અપાવ્યા હોવાનું પત્રમાં જણાવવામાં આવ્યું
અગાઉ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નામ વટાવીને “દિલીપ ત્રિવેદી"એ અનેક નિર્ણયો માટા લેવડાવ્યા, ખરેખર ગ્રાઉન્ડની હકીકત એવી છે કે, તેઓને નગરપાલિકાના વોર્ડમાં પણ ઉભા રાખીએ તો તેઓ ચૂંટાઈ ન શકે, એ તબક્કો ચાલુ હતો ત્યાં થોડાક સમયથી પાછા કચ્છમાં દિલીપ દેશમુખ આવ્યા છે, તેઓ સી. આર.પાટીલનું નામ વટાવે છે, અને એમના માનીતા લોકોને એક કરતા વધુ પદો અપાવ્યા છે, જેમ કે, સાંસદ વિનોદ ચાવડા સાંસદ હતા, અને પ્રદેશ મહામંત્રી બનાવાયા તેઓ પ્રદેશ મહામંત્રી જેટલા મોટા પદને યોગ્ય ન્યાય આપી શકે તેવું નથી તેવા આક્ષેપો આ નનામી પત્રમાં કરવામાં આવ્યા છે.
કચ્છને બચાવી લેવા વડાપ્રધાન સમક્ષ માગ કરાઇ
આ પત્રમાં ભાજપની એક ત્રિપુટી પર ખનીજ ચોરીના ધંધો કરતા હોવાનો તથા કંપની પાસેથી 32 કરોડ રૂપિયાની તોડ કરાઇ હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. આ બાબતોની જાણ પાર્ટીના જવાબદારોને છે પણ તમામને સાચવી લેવામાં આવ્યા છે, તેવું પત્રમાં જણાવવામાં આવ્યું છે. ત્યારે કચ્છને બચાવી લેવા વડાપ્રધાન સમક્ષ માગ કરાઇ છે. હાલ આ પત્ર કચ્છમાં ખડભડાટ સર્જવા સાથે ચર્ચાનુ કેન્દ્ર બન્યો છે.