કચ્છ-ભુજઃ કોરોના વાયરસનું સંક્રમણ વધતા માસ્કની જરૂરિયાત ઉભી થઈ છે, ત્યારે કચ્છ જિલ્લાની સખી મંડળની બહેનોએ દિવસ–રાત કામ કરીને ઓછી કિમતે 1 લાખ માસ્ક બનાવી આપ્યા છે. સવેતન સેવા સાથે રાષ્ટ્રસેવા કરીને સખી મંડળની બહેનો પોતાની ફરજ બજાવી રહ્યાં છે. જે સરાહનીય છે. કોરોનાની મહામારી સામે લડવા સખી મંડળની બહેનો દ્વારા ઘેર બેઠાં માસ્ક બનાવીને સામાજિક દાયિત્વ નિભાવીને એક પ્રકારે રાષ્ટ્રની સેવા કરવામાં આવી રહી છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.કે. જોશીએ જણાવ્યું હતું કે, આ મહામારીમાં માસ્ક અને સેનીટાઈઝરની વધુ જરૂરિયાતને પહોંચી વળવા સમયાંતરે તંત્ર દ્વારા આ વસ્તુઓ પુરી પાડવામાં આવી રહી છે. કચ્છ જિલ્લાના જુદા-જુદા સખી મંડળોએ માસ્કની માંગને પૂરી કરવા તૈયારી દર્શાવી માસ્કનું ઘર બેઠાં ઉત્પાદન શરુ કર્યું છે.
કચ્છ જિલ્લાના 47 સખીમંડળની બહેનોએ 1 લાખથી વધુ માસ્ક તૈયાર કર્યાં મિશન મંગલમ યોજનાના જિલ્લા લાઇવ્લીહુડ મેનેજર ભાવિન સેંઘાણીનાં જણાવ્યા મુજબ, મિશન મંગલમ યોજના હેઠળ સ્વ-સહાય જૂથોની મહિલાઓ દ્વારા આરોગ્ય શાખા, મેડિકલ એસોસિએશન, પોલીસ વિભાગ, ગ્રામ પંચાયતો, કંપની સી.એસ.આર., એન.જી.ઓ તેમજ વિવિધ સ્વેચ્છિક સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલ ઓર્ડર તેમજ સખીમંડળનાં બહેનો દ્વારા વિનામૂલ્યે વિતરણ કરવામાં માસ્ક, એમ કુલ મળીને 1 લાખ કરતા વધારે માસ્ક જિલ્લાની 47 સખીમંડળોની 123 જેટલી બહેનો દ્વારા બનાવવામાં આવેલ છે.
કચ્છ જિલ્લાના 47 સખીમંડળની બહેનોએ 1 લાખથી વધુ માસ્ક તૈયાર કર્યાં આ બાબતે સખી મંડળોની બહેનોએ એક સુરે જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં જ્યારે લોકો પોતાનો રોજગાર છોડીને ઘરે બેઠાં છે, ત્યારે અમારી સખી મંડળની બહેનો ઘરે બેઠાં માસ્ક બનાવવાની પ્રવૃત્તિ દ્વારા આજીવિકા મેળવી રહી છે અને આ પ્રવૃત્તિ દ્વારા રાષ્ટ્રસેવામાં સહભાગી બનવાની અમૂલ્ય તક મળેલ છે. જે માટે અમે ગર્વ અનુભવીએ છીએ.નોધનીય છે કે, આજે કોરોનાની મહામારીના સમયમાં મોં દ્વારા વાયરસનો ચેપ ન લાગે તેમજ શ્વાસોશ્વાસ દ્વારા વાઇરસ ફેલાય નહીં તેની તકેદારી રાખવા માસ્કનો ઉપયોગ વધ્યો છે. જેમને શરદી, ખાસી કે તાવ જેવા લક્ષણો જણાતા હોય તેમણે માસ્ક પહેરવું હિતાવહ છે. આ પ્રમાણેના માસ્કની જરૂરિયાત હોય તો કોઈ પણ સરકારી કે બિનસરકારી કચેરી, એન.જી.ઓ.કે અન્ય કોઈ પ્રાઇવેટ સંસ્થા જિલ્લા લાઇવ્લીહુડ મેનેજર ભાવિનભાઈ સેંઘાણીનો “ 9099956370” પર સંપર્ક કરી શકે છે.