કચ્છ : માંડવીના રમણીય બીચ પર ફરી આજે બપોરના સમયે સહેલાણીઓ ન્હાવાની મોજ માણી રહ્યા હતા તે દરમિયાન બચાવ કામગીરી માટે બૂમાબૂમ સાંભળવા મળી હતી.મોરબીથી ફરવા આવેલા 3 યુવકો ન્હાવાની મોજ માણી રહ્યા હતા અને અચાનક ડૂબવા લાગતા બૂમાબૂમ કરવા લાગ્યા હતા. સદનસીબે આ સમયે બ્લૂ સ્ટાર વોટર સ્પોર્ટસના કર્મચારીઓ અને સ્થાનિક તરવૈયાઓ કાંઠા પર હાજર હોતા તુરંત જ સ્પીડ બોટ દોડાવી હતી અને ડૂબી રહેલા યુવકો સુધી પહોંચ્યા હતા અને ત્રણેય યુવકોને બચાવીને કિનારા પર લાવ્યા હતા.
રેસ્કયુંનો લાઈવ વિડિયો થયો વાયરલ : દરિયામાં તણાઈ ગયેલા યુવકોને બચાવવા માટે સ્પીડ બોટ ગણતરીની મિનિટમાં જ યુવકો સુધી પહોંચી ગઈ હતી. જેનો લાઈવ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ડૂબી ગયેલા 3 યુવકો પૈકી એક યુવકની વધુ પાણી પી જવાથી તબિયત લથડી હતી. બીચ પર જ સ્થાનિક તરવૈયાઓએ તેને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કર્યો હતો અને તેના પેટમાંથી પાણી બહાર કાઢ્યું હતું. ત્યારબાદ તેને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં તમામ યુવકો ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે.
છેલ્લા 15 દિવસોમાં ત્રીજી ઘટના : ઉલ્લેખનીય છે કે, છેલ્લાં 15 દિવસોમાં આ ત્રીજી ઘટના ઘટી છે. 10 દિવસ પહેલા માંડવીમાં દરિયામાં ડૂબી જવાથી 3 કિશોરના મોત થયા હતા તો માંડવીના સહેલાણી બીચ પર છેલ્લા 10 દિવસમાં ડૂબી જવાની આ બીજી ઘટના છે. આજે અકસ્માતના સમયે કિનારા પર સ્પીડ બોટ અને તરવૈયાઓ હાજર હોવાના કારણે ત્રણેય યુવકના જીવ બચાવી લેવાયા હતા.
જેવા 3 યુવકોને ડૂબતા જોયા તે જ ક્ષણે સ્પીડ બોટ દ્વારા રેસક્યું કામ શરૂ કરાયું હતું અને ત્રણેય યુવકોને બચાવી લેવાયા હતા. જેમાંથી 1ને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તો આ બીચના કિનારા પર લાઈફગાર્ડ પણ રાખવામાં આવે સાથે સિક્યુરિટી ગાર્ડ પણ રાખવામાં આવે તેવું જરૂરી છે. કારણ કે કચ્છના આ સહેલાણી બીચ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. તો છેલ્લા કેટલાક સમયથી અહીં ડૂબવાની ઘટનાઓમાં પણ વધારો થયો છે. - સ્પીડ બોટની રાઇડ ચલાવતા અલ્તાફ ખલીફા