કચ્છઃ કોરોનાના સંક્રમણ વચ્ચે એક સાથે રેકોર્ડ બ્રેક 24 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ વધુ ત્રણ દર્દીના મોત થતાં હડકંપ મચી ગયો છે. નલિયામાં એક જ પરિવારના છ, ભુજમાં એક જ પરિવારના પાંચ સહિત સાત, અંજારના યુવાન પત્રકાર સહિત કુલ 24 લોકોને કોરોનોનો ચેપ લાગ્યો છે. આ તમામ દર્દીઓ પૈકી 10 વ્યકિતઓ અન્યના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા છે. જયારે અન્ય દર્દી સ્થાનિક સંક્રમણનો ભોગ બન્યા છે. આ 24 કેસ સાથે કચ્છમાં કુલ પોઝિટિવ કેસનો આંક 402 થયો છે.
આ વચ્ચે આદિપુરના પાંજો ઘર પાસે રહેતા 65 વર્ષીય હીરાલાલ ટેકચંદ ઠક્કરનું ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. 21મીએ ગંભીર હાલતમાં તેમને ભુજ ખસેડાયા બાદ કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યાના ગણતરીના કલાકોમાં જ તેમનુ મોત થયું હતું. જયારે ગાંધીધામના અપનાનગરમાં રહેતા અને 16 તારીખે ભુજની હોસ્પિટલમાં દાખલ થયેલા 75 વર્ષીય વાડીલાલ લોદરિયાનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બંને દર્દીઓને ગંભીર હાલતમાં ભુજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
રાપરમાં સ્વામિનારાયણમાં રહેતા પુષ્પેન્દ્ર રમેશ ઠક્કરનું મોત નિપજ્યું હતું. 14 તારીખના કોરોનાનો પોઝિટિવ કેસ આવતાં પ્રથમ હરિઓમ કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા બાદ તબિયત વધુ કથળી જતાં ભુજ જી.કે.માં ખસેડવામાં આવ્યાં હતા. જયાં તેમનું મૃત્યુ થયુ હતુ. જિલ્લામાં કુલ મોતનો આંક હવે 23 થયો છે. એક્ટિવ પોઝિટિવ કેસ 142 છે. બીજીતરફ કચ્છમાં શુક્રવારે વધુ પાંચ દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કચ્છમાં 402 પૈકી અત્યાર સુધીમાં 238 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.