- હોડકો ગામમાં 13માં બન્ની પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરાયુ
- માલધારીઓ 500થી 600 જેટલા પશુઓ લઈને આવ્યા
- કચ્છમાં ટૂંક સમયમાં વેટરનરી કોલેજ બનાવવામાં આવશે: ડો.નીમાબેન આચાર્ય
કચ્છ : ભુજ તાલુકાના બન્ની (હોડકો) ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમા આચાર્યએ દ્વિદિવસીય પશુમેળાનું (13th Bunny Cattle Exhibition) ઉદ્ઘાટન કર્યું હતું. કચ્છના રણ પ્રદેશમાં ઘાસિયા પ્રદેશ તરીકે ઓળખાતા બન્ની વિસ્તારમાં દર વર્ષે સંસ્થા તથા સરકારના સંયુકત ઉપક્રમે હોડકો ગામે યોજાતા પશુમેળાએ સારૂ એવુ આકર્ષણ જમાવ્યું છે.
જુદાં જુદાં ગામના પશુઓ હરીફાઈમાં ભાગ લેવા આવ્યા
બન્ની ગ્રાસ લેન્ડના ઘાસિયા મેદાનોમાં વસેલ ગામ હોડકો ખાતે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન (Bunny Cattle Breeders Association) દ્વારા દર વર્ષે પશુ પ્રદર્શન અને જુદી જુદી હરીફાઈઓનું આયોજન કરવામાં આવતું હોય છે. આ પશુ મેળામાં બન્ની વિસ્તારના ખાવડા, હોડકા, ધોરડો, ઢોરી, સુમરાસર, નાના દીનાળા, મોટા દીનાળા વગેરે ગામોમાંથી માલધારીઓ પોતપોતાના પશુઓ આ હરીફાઈમાં લઈને આવ્યા હતા.
પશુઓના લે-વેચનુ બજાર ઉભુ કરાય છે.
સ્થાનિકસ્તરે પશુ સંવર્ધનને ટકાવવા તથા પશુ બજાર વ્યવસ્થા માટે રાજ્ય અને દેશસ્તરે વિશષ્ટિ વ્યવસ્થા ઊભી કરવા માટે અસ્તિત્વમાં આવેલ બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા યોજાતા આ પશુ મેળામાં માત્ર કચ્છ જ નહીં પરંતુ ગુજરાતના અન્ય પ્રાંતમાંથી ભેંસ, કાંકરેજ ગાય, આંખલા, બળદ, સિંધી ઘોડા, વગેરે પશુઓના લે-વેંચનુ બજાર ઉભુ કરાય છે.
આ પણ વાંચો: વાપીમાં પાટીલનું લોકોને સરકારી યોજનાઓના લાભ આપી મદદરૂપ થવા આહવાન
જુદી જુદી હરીફાઈઓ યોજવામાં આવી
આ મેળાના ઉદ્ઘાટન બાદ સૌ પ્રથમ પશુ વેંચાણ કરવામાં આવ્યું હતું. હોડકો ખાતેના આ દ્વિદિવસીય પશુમેળામાં ભેંસ તંદુરસ્તી, ભેંસ દૂધદોહન, પાડા તંદુરસ્તી, ગાય તંદુરસ્તી, આંખલા તંદુરસ્તી, માણસ દોડ અને બખ્ખ મલાખડોનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરેક હરિફાઇના વિજેતાઓને રૂપિયા 2000થી રૂપિયા 10,000 સુધીના ઇનામો આપવામાં આવશે. પશુ મેળામાં આવેલા પશુપાલકે જણાવ્યું હતું કે,અહીંયા અમે કાંકરેજ નસલનો આંખલો તંદુરસ્તી હરીફાઈ માટે લઈ આવ્યા છીએ. આંખલાની તંદુરસ્તી, રૂપ, શિંગડા, વજન પ્રમાણે મૂલ્યાંકન કરવામાં આવે છે.આ આંખલો 2.25 લાખ રૂપિયામાં લીધો હતો અને હવે 3 વર્ષ સુધી અમે અમારા પાસે જ રાખીશું.
ભેંસ દરરોજ 20 લીટર દૂધ આપે છે: પશુપાલક
પશુ મેળામાં આવેલા પશુપાલકે જણાવ્યું હતું કે,ભેંસ દૂધ દોહન હરીફાઈ માટે મુકેલી છે, ભેંસ દરરોજ 20 લીટર દૂધ આપે છે ઘણા વર્ષોથી આ ભેંસ અમારા પાસે છે અને બે વખત તરણેતરના મેળામાં પણ રૂપ સ્પર્ધામાં વિજેતા બની છે આ ભેંસ. બન્ની નસલની આ ભેંસ છે અને ગાભણ થયા પછી 8-9 મહિના દૂધ આપે છે અને આ ભેંસની કિંમત અંદાજિત 5 થી 6 લાખ રૂપિયાની હોય છે.
સરકાર અતિ સંવેદનશીલ છે અને મૂંગા પશુઓની સેવા કરવા માટે તત્પર છે
પશુ મેળા દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, પશુઓના આરોગ્ય માટે પશુઓના સારા ઉછેર માટે તથા સરકારી યોજનાઓનું અમલીકરણ માલધારીઓ સુધી થાય તથા માલધારીઓને સરકારના લાભ મળે તેવા બધા વિષયો સાથે આ મંડળી ખૂબ સારું કાર્ય કરે છે. ગુજરાત સરકાર દ્વારા પણ આ પશુ મેળા યોજવા માટે પૂરતું સહકાર અને પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે. સરકાર અતિ સંવેદનશીલ છે અને મૂંગા પશુઓની સેવા કરવા માટે તત્પર છે.
આ પણ વાંચો: સ્માર્ટ ખેડૂત : રાજ્ય સરકાર ખેડુતોને સ્માર્ટ ફોન ખરીદીમાં 10 ટકા અથવા 1500 રૂપિયાની સહાય આપશે
કચ્છમાં ટૂંક સમયમાં વેટરનરી કોલેજ બનાવવામાં આવશે
આ ઉપરાંત નીમાબેનએ જણાવ્યું હતું કે પશુપાલકોને રોજગારી મળે અને તેમના દૂધના સારા ભાવ મળે તેવા પ્રયત્નો સતત કરવામાં આવી રહ્યા છે. પશુ ડોક્ટરોની અછત છે ત્યારે હવે કચ્છમાં વેટરનરી કોલેજ બને અને અહીંયા જ ડોકટરો તૈયાર થાય અને આ દિશામાં પણ કામગીરી ચાલુ કરવામાં આવી છે.
માલધારીઓમાં જાગૃતિ આવે તે માટે પશુ મેળાનું આયોજન કરાયું
બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ સાલેમામદ હાલેપોત્રાએ જણાવ્યું હતું કે, માલધારીઓમાં જાગૃતિ આવે તે માટે આવા પશુ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને સારી નસલના પશુઓનું ઉછેર થાય તે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે અને માલધારીઓ 500થી 600 જેટલા પશુઓ લઈને આવ્યા છે અને જુદી જુદી હરીફાઈઓનું આયોજન કરવામાં આવ્યું છે.