- છેલ્લા ઘણા સત્રથી કોંગ્રેસનું શાસન
- પીવાનું પાણી, સિંચાઈ, રસ્તા, ગંદકી, યોજનાઓમાં કૌભાંડ સહિતની સમસ્યાઓ
- મતદાનને લઈને લોકોમાં જોવા મળી નારાજગી
ખેડા: તાલુકા પંચાયતનો રાજકીય ઇતિહાસ મહુધા તાલુકો કોંગ્રેસનો ગઢ ગણાય છે. છેલ્લી કેટલીયે ટર્મથી મહુધા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સત્તાસ્થાને છે. ગત સત્રમાં 18 બેઠકોમાંથી કોંગ્રેસ 11 તેમજ ભાજપ પાસે 5 અને અપક્ષ પાસે 2 બેઠકો હતી. મહુધા તાલુકા પંચાયતમાં 18 બેઠકો છે. અહીં મુખ્યત્વે ખેડૂત વર્ગનો મતદાર છે. તાલુકામાં ખેતી એ મુખ્ય વ્યવસાય છે.તમાકુ,અનાજ સહિતના પાકોનું સારા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે.તાલુકામાં સિંચાઈ,રસ્તા,પીવાનું પાણી,ગંદકી તેમજ તાલુકાના ગામોમાં યોજનાઓમાં કૌભાંડ સહિતની સમસ્યાઓ લોકોને સતાવી રહી છે. મહુધા તાલુકામાં કુલ 86695 મતદારો છે.
લોકોને સતાવી રહી છે અનેક સમસ્યાઓ
તાલુકામાં ખેતી માટે સિંચાઇ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે પરંતુ તે અપૂરતી છે. ક્યાંક કેનાલ બન્યાનાં વર્ષો બાદ પણ પાણી પહોંચ્યું નથી. ક્યાંય વારંવાર માંગ છતાં કેનાલમાં નિયમિત પાણી અપાતું નથી તો વળી તાલુકાના કેટલાય વિસ્તારમાં આ સુવિધા દુવિધા બની છે. ઠેર ઠેર કેનાલમાં લિકેજની સમસ્યા હોઈ લોકોની અવારનવાર રજૂઆતો છતાં લીકેજ પરત્વે આંખ આડા કાન કરવામાં આવે છે. જેને લઇ વારંવાર કેનાલના પાણી ખેતરો અને ઘરોમાં ઘુસી જવાની સમસ્યા રોજિંદી બની છે. જેને લઈ લોકોમાં ભારે નારાજગી છે.
રોડ પર જોવા મળી રહ્યા છે ભ્રષ્ટાચારના ખાડા
તાલુકાના ઘણા ગામોમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત છે. નિયમિત પાણી મળતું નથી. જો કે વિકાસ થયો છે ,રોડ બન્યા છે, તો હજી પણ તાલુકાના ઘણા વિસ્તારોમાં ધૂળિયા રોડનું સામ્રાજ્ય છે. જ્યાં રોડ બન્યા છે તો તેમાં થોડા જ સમયમાં ઠેરઠેર રોડ પર ભ્રષ્ટાચારના ખાડા પડી ગયેલા જોવા મળી રહ્યા છે.
મહિલા તાલુકા વિકાસ અધિકારીની રાજકીય બદલી પણ ચૂંટણીનો મુદ્દો
ગ્રામ્ય વિસ્તારોમાં કૌભાંડો બેફામ બન્યા છે. અનેક ગામોમાં યોજનાઓમાં ભ્રષ્ટાચારની બુમો ઉઠી છે. જેમાં તાજેતરમાં જ કૌભાંડો બહાર લાવી કડક કાર્યવાહી કરનાર મહિલા તાલુકા વિકાસ અધિકારીની રાજકીય રીતે બદલી કરવામાં આવી છે. જેને લઈ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભ્રષ્ટાચારીઓ સાથે અને ભ્રષ્ટાચારીઓની સામે એમ બે પક્ષ પડી ગયેલા જોવા મળી રહ્યા છે. તાલુકા વિકાસ અધિકારીની બદલીનો વ્યાપક વિરોધ ઉઠ્યો છે જે પણ આ ચૂંટણીમાં એક મુદ્દો છે.ગામોમાં સફાઈ કામગીરી પણ બંધ થઈ ગઈ છે. જેને લઈ ગામોમાં ગંદકીનું સામ્રાજ્ય છે.આગેવાનોના ઠાલા વચનો તેમજ સમસ્યાઓ પ્રત્યે આંખમીંચામણાં કરવાની નીતિરીતિ સામે પણ તાલુકામાં રોષ જોવા મળી રહ્યો છે. વિસ્તારની સમસ્યાઓ અંગે આગેવાનોના પરસ્પર દોષારોપણમાં મુદ્દા અટવાયા છે. ત્યારે વિસ્તારની વિવિધ સમસ્યાઓથી ત્રસ્ત મતદાર કોની તરફેણમાં મતદાન કરે છે તે જોવું રહ્યું.