ખેડા: મહેમદાવાદ ખેડા રોડ સ્ટેશન પર વડોદરા તરફથી અમદાવાદ જવાના ટ્રેક પરથી જઈ રહેલી માલગાડીનો ડબ્બો અચાનક પાટા પરથી ઉતરી ગયો હતો. મળતી માહિતી મુજબ કોઈ ટેકનિકલ કારણસર ડબ્બો ટ્રેક પરથી ઉતરી ગયો હતો. ઘટનાની જાણ કરતા રેલ્વેના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અમદાવાદ-વડોદરા વચ્ચેના ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે. જ્યારે વડોદરાથી અમદાવાદ તરફ આવી રહેલી ટ્રેનોને હાલ રોકી દેવામાં આવી છે. રેલવે વિભાગે ગુડઝ ટ્રેનને ફરી પાટા પર લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.
ટ્રેન વ્યવહારને અસર: સોમવારે સાંજે 6 વાગ્યાની આસપાસ મહેમદાવાદ રેલવે સ્ટેશનની ઉત્તર દિશા બાજુ ગરનાળા પાસેથી આજે સમી સાંજે પસાર થતી એક ગુડ્સ ટ્રેનનુ એકાએક એક વ્હિલ પાટા પરથી ઉતરી ગયું હતું. આ ઘટનાની જાણ થતાં રેલવેના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. પણ વડોદરાથી અમદાવાદ જવાના રેલવેના વાહન વ્યવહારને અસર પહોંચી હતી. વડોદરાથી આવતી ટ્રેનો જ્યાં હોય ત્યાં ટ્રેક પર જ સ્થગિત કરી દેવામાં આવી હતી. જેના કારણે નોકરીયાત વર્ગ, વિદ્યાર્થી વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
9 ટ્રેનો સંપૂર્ણપણે રદ્દ: કર્ણાવતી ટ્રેન સહિત મુખ્ય ટ્રેનો વડોદરા આસપાસ અટકી ગઈ હતી. રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રેલવે ટ્રેક પર ખડી પડેલી ટ્રેનને ફરી પાટા પર લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ટૂંક સમયમાં જ આ ટ્રાફિક ક્લિયર કરી દેવાશે. રેલવેના કર્મચારીઓ દ્વારા હાલ મરામત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રૂટ પર આગામી બે દિવસ માટે 9 ટ્રેનો સંપૂર્ણપણે રદ્દ કરી દેવામાં આવી છે.
આ દુર્ઘટનાને કારણે 14 ઓગસ્ટ 2023ની રદ કરાયેલી સંપૂર્ણ ટ્રેનો:
- ટ્રેન નંબર 09315 વડોદરા-અમદાવાદ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09274 અમદાવાદ-આણંદ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09327 વડોદરા-અમદાવાદ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09275 આણંદ-ગાંધીનગર સ્પેશિયલ
15 ઓગસ્ટ 2023ની રદ કરાયેલી સંપૂર્ણ ટ્રેનો:
- ટ્રેન નંબર 20947 અમદાવાદ-એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસ
- ટ્રેન નંબર 20950 એકતા નગર-અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ
- ટ્રેન નંબર 09318 આણંદ-વડોદરા સ્પેશિયલ
- ટ્રેન નંબર 09316 અમદાવાદ-વડોદરા સ્પેશિયલ
- ટ્રેન નંબર 09276 ગાંધીનગર-આણંદ સ્પેશિયલ
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો: ટ્રેન નંબર 20950 એકતા નગર – અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ 14 ઓગસ્ટ 2023 વડોદરા અને અમદાવાદ વચ્ચે રદ રહેશે. તેથી મુસાફરોને ઉપરોક્ત રદ કરાયેલી ટ્રેનોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા અપીલ કરવામાં આવી છે.
એક મહિના અગાઉ પણ પણ હતી ઘટના: એક મહિના અગાઉ પણ મહેમદાવાદ નજીક માલગાડીના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જે બાદ સોમવારના રોજ આ ઘટના બનવા પામી છે. ત્યારે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના બનતી અટકાવવા રેલ્વે તંત્ર દ્વારા સમગ્ર મામલે વિસ્તૃત તપાસ કરવી જરૂરી બની છે.