- મુખ્ય દંડકના હસ્તે રસીકરણનો પ્રારંભ કરાયો
- જિલ્લામાં 4 કેન્દ્રોમાં દરેક કેન્દ્ર પર રોજ 100 વ્યક્તિને રસી અપાશે
- જિલ્લામાં 11000 જેટલા આરોગ્યકર્મીનું રસીકરણ થયા પછી પોલીસ કર્મીનું રસીકરણ કરાશે
ખેડાઃ 16મી જાન્યુઆરીથી સમગ્ર દેશમાં કોરોના રસીકરણનો પ્રારંભ થઇ ચૂક્યો છે. શનિવારના રોજ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈના વરદ હસ્તે કોરોના રસીકરણનો પ્રારંભ કરાયો હતો. જેમાં ખેડા જિલ્લાની પ્રથમ રસી ડૉ.સુપ્રીમ પ્રભુને આપવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાયસેગના માધ્યમથી કોરોનો વેક્સિન વિશે માહિતી આપી
કાર્યક્રમની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાયસેગના માધ્યમથી કોરોનો વેક્સિન વિશે માહિતી આપી હતી. મુખ્ય દંડક પંકજ ભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાનના ર્દઢ સંકલ્પ, સુશાસન તથા આયોજનના કારણે આપણે આ મહામારીમાંથી વધુ નુકસાન વગર બહાર આવી રહ્યા છીએ તેઓએ કોરોના ફ્રન્ટ વોરીયર્સની પણ પ્રશંસા કરી હતી. આ સાથે તેમણે ઉમેર્યુ હતું કેસ, જરુરીયાત અને નિયમોનુસાર પ્રજજનોને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવશે. તેમ છતાં પણ કોરોના વાયરસ સામે અગમચેતી અને સાવચેતીના કેન્દ્ર અને રાજ્ય સરકારના સુચનોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
જિલ્લામાં 4 કેન્દ્રોમાં દરેક કેન્દ્ર પર રોજ 100 વ્યક્તિને રસી અપાશે
જિલ્લામાં નડિયાદ સહિત ચાર મુખ્ય કેન્દ્ર ખાતે ખેડા, નડિયાદ, મહેમદાવાદ અને લીંબાસીમાં રસીકરણ શરૂ થઈ ચૂક્યું છે. દરેક કેન્દ્રમાં રોજના 100 લોકોને રસી આપવામાં આવશે. રસીકરણ પૂર્ણ થયા બાદ તેનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. રસીકરણની નોંધણીની પ્રક્રિયા ઓનલાઇન છે. નોંધણી કર્યા પછી રસીકરણનો સમય અને સ્થળ એસ.એમ.એસ દ્વારા મોકલી આપવામાં આવશે અને કોરોના ગાઈડલાઇન્સ મુજબ રોજ 100 જેટલા લોકોનું રસીકરણ થશે. સૌપ્રથમ આરોગ્ય કર્મીનું રસીકરણ કરવામાં આવશે. રસી આપ્યા પછી 30 મિનિટના નિરીક્ષણમાં રાખવામાં આવે છે અને 28 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે. જે ઇમ્યુનિટી વધારવામાં ઉપયોગી રહેશે. કલેક્ટર આઇ.કે.પટેલે જણાવ્યું હતું કે, 11000 જેટલા આરોગ્યકર્મીનું રસીકરણ થયા પછી પોલીસ કર્મીનું રસીકરણ કરવામાં આવશે.
કોરોના રસીકરણના શુભારંભ
કોરોના રસીકરણના શુભારંભે જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ, ક્લેકટર આઈ.કે.પટેલ, અધિક ક્લેક્ટર રમેશ મેરજા, એસ.પી. દિવ્ય મિશ્ર, ડી.ડી.ઓ. ડી.એસ.ગઢવી તેમજ આરોગ્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.